આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં રહેતી તબિબ મહિલાનું આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સિદ્ધિને લઈને ખાસ સન્માન થયું છે. SAS બેસ્ટ રિસર્ચ એવોર્ડ ટ્રેડીશનલ મેડીશીન અંતર્ગત સન્માન કરાયું છે. જેમાં ભારતના જુદા જુદા પ્રાંતના તેમજ અન્ય દેશોમાંથી નિષ્ણાતો હાજર હતા. આમાંથી માત્ર આ એક ગુજરાતી મહિલાનું મહિલા દિવસના 4 દિવસ પહેલા જ સન્માન થતાં ખેડા સહિત રાજ્યનું ગૌરવ વધ્યું છે.
આયુર્વેદમાં અલગ અલગ રિસર્ચપ્રોજેક્ટ પર કામ કર્યા છે
ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સિધ્ધી વિનાયક મંદિર રોડ પાસે આવેલ નજમા પાર્કમાં રહેતા 33 વર્ષિય ડો.નિલોફર શેખ પોતે નડિયાદ જે.એસ.આયુર્વેદ મહાવિદ્યાલયમાં પ્રસુતિતંત્ર વિભાગમાં એસોસીએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેઓ (BAMS, Ms Ayu.)ની ડીગ્રી ધરાવે છે. તેમણે આયુર્વેદમાં અલગ અલગ રિસર્ચપ્રોજેક્ટ પર કામ કર્યા છે. જેમાં ગર્ભાવસ્થા દરમિયાન દર્દીને સફેદ પાણી પડતા થતી તકલીફને નીવારવા લોકલ થેરાપી તેમજ અન્ય એક પ્રોજેક્ટ જે.એસ.આયુર્વેદ મહાવિદ્યાલયમાં ડો.એસ.એન.ગુપ્તાના માર્ગદર્શન હેઠળ સ્ત્રી રોગ પ્રસુતિમાં ગર્ભાશયના કેન્સરના પ્રાથમિક ઉપચારમાં પેપ ટેસ્ટ તથા આયુર્વેદિક ચિકિત્સાની ઉપયોગિતા માટે આ એવોર્ડ ખાસ પ્રાપ્ત થયો છે.
માત્ર આ એક ગુજરાતી મહિલા ડો.નિલોફર શેખને તેમની સિદ્ધિ માટે બિરદાવાઈ
આ એવોર્ડનો કાર્યક્રમ ગત 5મી માર્ચને રવિવારના રોજ આસામમાં ગુવાહાટી શહેરમાં યોજાઈ ગયો હતો. જેમાં મલેશિયા, નેપાળ, બાંગ્લાદેશ તેમજ ભારતના અલગ અલગ રાજ્યોમાંથી ફાળવેલ અલગ અલગ કેટેગરીમાં પુરસ્કાર મેળવવા તજજ્ઞો આવ્યા હતા. આમાંથી માત્ર એક ગુજરાતી મહિલા ડો.નિલોફર શેખને તેમની સિદ્ધિ માટે બિરદાવતાં સંસ્થા તેમજ નડિયાદ અને ખેડા જિલ્લાનું નામ રોશન થયું છે.
મે મારી કારકિર્દીને કદી બ્રેક મારી નથી. જવાબદારી સાથે રાખીને આગળ વધી છું : ડો.નિલોફર શેખ
છેલ્લા 10 વર્ષથી તબિબ ક્ષેત્રે સંકળાયેલા ડો.નિલોફર શેખે દિવ્યભાસ્કરે સાથેની વાતચીતમા જણાવ્યું કે, આ ઉપરોક્ત બે પ્રોજેક્ટ અંતગર્ત મારુ ખાસ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે. તો હાલ 2 વિષયના પ્રોજેક્ટ પર હું જે.એસ.આયુર્વેદ મહાવિદ્યાલયમાં પ્રસુતિતંત્ર વિભાગમાં કામ કરી રહી છું. જેમાં ગર્ભાવસ્થામા માસિક આહાર અંગેનો છે. ગર્ભ સંસ્કાર થકી બાળકો પર સારી અસર રહે છે. ઉપરોક્ત રિસર્ચ પ્રોજેક્ટમા 5 વર્ષની મારી મહેનત છે જે ફળી છે. તથા પ્રસુતિતંત્ર વિભાગ અને જે.એસ.આયુર્વેદ મહાવિદ્યાલયના આચાર્ય ડો.કલાપી પટેલ અને પી.જી. ડાયરેક્ટર ડો. પ્રદીપ વૈષ્ણવનો ખૂબ સહકાર મળેલ છે.વધુમા આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે હું અન્ય મહિલાઓને એ સંદેશો આપવા માગુ છું કે, હું તબિબ તો છું સાથે સાથે આર્દશ માતા પણ છું અને કુટુંબ, ઘરની જવાબદારી સંભાળું છું. આ તમામ જવાબદારી વચ્ચે પણ મે મારી કારકિર્દીને કદી બ્રેક મારી નથી. જવાબદારી સાથે રાખીને આગળ વધી છું જેમા મારા પરિવારે પણ ઘણો ભોગ આપ્યો છે અને અન્ય મહિલા માટે આ શીખ આપું છું અને લક્ષ્યાંક રાખી જીવનમા આગળ વધો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.