સરકારી કામગીરીને બ્રેક વાગી:ખેડા જિ.ના 240 તલાટીની હડતાલ,રોજ 13 હજાર અરજદારો અટવાશે

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
હડતાલ પર જતા અગાઉ તલાટી મંડળ દ્વારા આવેદનપત્ર અપાયા હતા. - Divya Bhaskar
હડતાલ પર જતા અગાઉ તલાટી મંડળ દ્વારા આવેદનપત્ર અપાયા હતા.
  • સરકાર સાથે ન મળ્યો તાલ, છેવટે હડતાલ : સરકાર સાથે અનેક મંત્રણાઓ છતાં પડતર પ્રશ્નોના ઉકેલ ન મળ્યાં

પડતર માંગણીઓને લઈ સરકાર પાસે તાલ બેસાડવાનો પ્રયાસ કરી રહેલા રાજ્યના તલાટી કમ મંત્રી મંડળને ધારી સફળતા નહીં મળતા સમગ્ર રાજ્યમાં 2 ઓગસ્ટ થી તલાટી કમ મંત્રીઓ હડતાલ પર ઉતરી ગયા છે. જેની સાથે ખેડા જિલ્લાની 518 ગ્રામ પંચાયતના 240 તલાટીઓ જોડાતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની સરકારી કામગીરીને જાણેકે બ્રેક વાગી ગઈ છે.

આજે સવારથી જ વિવિધ કામો માટે ગ્રામ પંચાયતોમાં પહોંચતા અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. બીજી તરફ હડતાલીયા તલાટીઓએ ચિમકી ઉચ્ચારી છેકે જ્યા સુધી તેમની માંગણીઓ સરકાર નહીં માને ત્યાં સુધી હડતાલ સમેટાવાની નથી. હડતાલને કારણે દરરોજના 13 હજારથી વધુ અરજદારોના કામો અટવાશે.

ખેડા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી 53 ટકા તલાટીઓની ઘટ છે. 518 ગ્રામ પંચાયતોમાં હાલ 240 તલાટી છે. જેના કારણે એક તલાટીને બે થી ત્રણ પંચાયતોના ચાર્જ સોંપવામાં આવ્યા છે. પરિણામે તમામ ગ્રામ પંચાયતોમાં મહત્વના કામોની ફાઈલોના ઢગલા થતા હોય છે. આ સ્થિતિ વચ્ચે વર્ષ 2018 થી તલાટી મંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નો અંગે રાજ્ય સરકારને રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં કર્યું હોવાની ફરિયાદ તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો. અગાઉ તા.7 સપ્ટેમ્બર 2021ના રોજ હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરંતુ તે સમયે સરકાર દ્વારા પ્રશ્નોના ઉકેલ લાવવાની બાંહેધરી આપતા આંદોલન અટકી ગયું હતું. પરંતુ 11 માસ બાદ પણ તલાટી કમ મંત્રી મંડળના એક પણ પ્રશ્નનો ઉકેલ નહીં આવતા આખરે 2 ઓગ્સટ થી સમગ્ર રાજ્યના તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. હડતાલને કારણે મંગળવારે પંચાયતમાં આવતા ગ્રામ્ય અરજદારો ધક્કા ફેરા ખાતા જોવા મળ્યા હતા.

જયાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાલનો હુંકાર
અમે અચોક્કસ મુદતની હડતાલ પર છીએ. અમારા પડતર પ્રશ્નો જ્યાં સુધી સરકાર દ્વારા નિરાકરણ નહીં આવે ત્યા સુધી હડતાલ ચાલુ રહેશે. નાની ગ્રામ પંચાયતમાં દરરોજના 5 થી 10 અને મોટી ગ્રામ પંચાયતોમાં 40 થી વધુ અરજદારો કામ અર્થે આવતા હોય છે. હડતાલને કારણે દરરોજના 13 હજારથી વધુ અરજદારોના કામો અટવાશે જેનો અમને પણ ખેદ છે.> રોનક દેસાઈ, પ્રમુખ, જિલ્લા તલાટી કમ મંત્રી એસો.

કઈ કામગીરી ચાલુ રહેશે
તલાટી કમ મંત્રીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરવામાં આવી છે. પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયે થતી કામગીરી તેમજ તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન યોજાનાર હર ઘર તિરંગા યાત્રા, અંતર્ગતની કામગીરી ચાલુ રાખવા દરેકને જાણ કરી છે. ઉપરાંત તા.15 ઓગસ્ટના રોજ ગ્રામ પંચાયત ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની કામગીરી ચાલુ રાખવાનું નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...