પૂનમના મેળામાં ST વિભાગ સજ્જ:ફાગણી પૂનમના મેળા માટે એસ.ટી વિભાગ વધુ 435 બસો દોડાવશે, ડાકોર-કપડવંજ રોડ પર ગુજરી બજાર ખાતે હંગામી સ્ટેન્ડ ઉભું કરવામાં આવ્યું

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફાગણી પૂનમના મેળાને લઈ એસ.ટી વિભાગ દ્વારા ખાસ બસો દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ તરફથી લાખોની સંખ્યામાં પદયાત્રિક ભાવિક ભક્તો યાત્રાધામ ડાકોર આવતા હોય છે. ત્યારે ઘરે પરત ફરતા સમયે પદયાત્રીઓને સગવડ મળી રહે તે માટે એસ.ટી વિભાગ દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.

4થી 7 માર્ચના સુધીમાં રાઉન્ડ ધી કલોક સંચાલન કરવામાં આવશે
એસ.ટી વિભાગ દ્વારા 435 એક્સ્ટ્રા એસટી બસો ફાળવવામાં આવી છે, જેનું 4થી 7 માર્ચના સુધીમાં રાઉન્ડ ધી કલોક સંચાલન કરવામાં આવનાર છે. ડાકોર-કપડવંજ રોડ પર ગુજરી બજાર ખાતે હંગામી એસ.ટી સ્ટેન્ડ પણ ઉભું કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેન્ડમાં મુસાફરોની સુવિધા માટે મંડપ તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવનાર છે. અહીંથી પદયાત્રીઓ માટે અમદાવાદ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

370 જેટલી એસ.ટી. બસો ફક્ત ડાકોર અમદાવાદ રૂટ માટે ફાળવવામાં આવી
એસ.ટી વિભાગના વિભાગીય નિયામક એમ.બી. રાવલ અને ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટ વી.એચ. કાજીએ જણાવ્યું હતું કે યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ચાર દિવસ સુધી ચાલતો હોય છે. જેમાં ચાર દિવસમાં લાખો લોકો રણછોડરાય ભગવાનના દર્શન કરવા આવતા હોય છે. આટલી મોટી સંખ્યામાં આવતા પદયાત્રીઓને પરત તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોચાડવા માટે સુચારૂ વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી હોય છે. જે માટે 370 જેટલી એસ.ટી. બસો ફક્ત ડાકોર અમદાવાદ રૂટ માટે ફાળવવામાં આવી છે. જેનું સંચાલન ગુજરી બજાર ખાતેથી કરવામાં આવનાર છે. જ્યારે અન્ય 65 જેટલી બસો વડોદરા, આણંદ અને નડિયાદ તરફ દોડાવવામાં આવશે. જેનું સંચાલન ડાકોર નવા બસ સ્ટેશન ખાતેથી કરવામાં આવનાર છે એમ એમ.બી. રાવલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...