નડિયાદમાં વોર્ડ નંબર 4 વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. ત્યારે પાલિકા આવી પરિસ્થિતિને પહોંચી વળવા ઉણી ઉતરી નથી. આ વોર્ડમાં એસટી નગર વિસ્તારમાં એસઆરપી કેમ્પની પાછળ આવેલા પરી રોહાઉસ સોસાયટીમાં પાક્કો રોડ અને સ્ટ્રીટ લાઈટનો અભાવ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં અહીયા પારવાર ગંદકી થતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ ન મળતા આજે અહીંયાના રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે ધસી આવી લેખિત રજૂઆત કરી છે.
ચોમાસામાં ભારે કાદવ કિચ્ચડ થાય છે
નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલા એસટી નગર વિસ્તારની પરી રોહાઉસ સોસાયટીના અંદાજીત 25થી વધુ વ્યક્તિઓ બુધવારે પાલિકા કચેરીએ આવી પહોંચ્યા હતા અને સત્તાધિશો સમક્ષ લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, અહીયા રહેતા રહીશોને સોસાયટીના નાકેથી અંદર તરફનો પાક્કો રોડ નથી.
આ સોસાયટી બને 5 વર્ષ થયા છે અને અમે અગાઉ પણ મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ આમ છતાં પણ કોઈ રોડની વ્યવસ્થા કરાઈ નથી. તેમજ ચોમાસામાં અહીંયા ભારે કાદવ કિચ્ચડ થાય છે જેના કારણે રહીશોને ચાલીને ઘર જવા ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટો પણ ન હોવાને કારણે અહીંયા રાત્રે પસાર થવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને લીધે રહીશો ત્રસ્ત બની ચૂક્યા છે.
ઈન્સ્ટન્ટ સ્ટ્રીટ લાઈટનો પણ અભાવ
આ ચોમાસાની ઋતુમાં પારવાર ગંદકી રહેતા અહીયા રોગચાળો વકરે તેવી પુરેપુરી દહેશત સેવાઇ રહી છે. સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થતાં અહીંયાના સ્થાનિકોએ જાગૃત થઈ સોસાયટીમાં વહેલી તકે આરસીસી રોડ બનાવવા માટે તેમજ એક કચરા પેટી ફાળવી આપવા અને ઈન્સ્ટન્ટ સ્ટ્રીટ લાઈટો માટે રજૂઆત કરી છે. આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા માગ ઉઠી છે. છેલ્લા પાંચ વર્ષથી નગરપાલિકાને મૌખિક રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ ન આવ્યું હોવાનું રહીશોએ રોષ પૂર્વક જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.