ખેડા જિલ્લામાં તસ્કરોએ આતંક મચાવ્યો છે. ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશનમાં નોકરી કરતા અધિકારીના સાસુની મરણ તિથિ હોવાથી મકાન બંધ કરી પરિવાર મીઠાના મુવાડા ગામે ગયો હતો. જેમાં તસ્કરોએ આ બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 3 લાખ 40 હજારના મત્તાના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ મામલે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાવા પામ્યો છે.
ગળતેશ્વર તાલુકાના થર્મલ ગામમાં પાવર સ્ટેશનના કર્મચારીઓને ફાળવેલા મકાનમાં રહેતા પ્રવીણચંદ્ર શનાભાઇ પરમાર વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં નોકરી કરે છે. ગઇકાલે ગુરૂવારે તેઓના સાસુ શારદાબેનની મરણતિથિ હતી. જેથી સાંજના આશરે સાડા છએક વાગે પરિવારના લોકો ઉપરોક્ત મકાન બંધ કરી મીઠાના મુવાડા ગામે ગયા હતા. જો કે પ્રવીણચંદ્રની નોકરી ચાલુ હોવાતી તેમણે આજે સવારે થર્મલ પાલર સ્ટેશન આવવા માટે તૈયારી કરી હતી અને મામા મણીલાલ બાલાભાઇ રાઠોડ સાથે તેમની ગાડીમાં બેસી આવ્યા હતા.
તેમણે ઘરે આવીને જોતાં ઘરનો દરવાજો ખુલ્લો હતો. જેથી નજીક જઇ જોતાં ઘરના દરવાજાના તાળાનો નકુચો તોડી નાખેલી હાલતમાં હતો, અને ઇન્ટરલોક પણ તોડી નાખેલું હતું. જેથી ઘરમાં અંદર જઇ જોતાં બંન્ને બેડરૂમમાં મુકેલી તિજોરીઓ ખુલ્લી હતી અને તેમાં મુકેલો સરસામાન વેર વિખેર બહાર પડ્યો હતો. તેમજ બંન્ને તિજોરીના ડ્રોઅર તથા લોકરો ખુલ્લાં હતાં.
આ બંધ મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 3 લાખ 40 હજારના મત્તાના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગે સેવાલીયા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે પ્રવિણચંદ્ર પરમારની ફરિયાદના આધારે તસ્કરો સામે ગુનો દાખલ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.