બમ્પ દૂર કરવા બાબતે મામલો બિચક્યો:નડિયાદના ભૂમેલ પાસે બનાવેલ બમ્પ દૂર કરવા અરજી કરનારની સાત શખ્સોએ ભેગા મળી સોનાની ચેન લૂંટી લીધી

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચકલાસી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી

નડિયાદના ભૂમેલ ગામના ઈચ્છાપુરામાં ગતરોજ દુકાન પાસેના રોડ પર બનાવેલ ગેરકાયદેસર બમ્પ દૂર કરવા અરજી કરનારને સાત વ્યક્તિઓએ ભેગા મળી માર મારી સોનાની ચેન લૂંટી લીધી હોવા બાબતની ફરિયાદ ચકલાસી પોલીસમાં નોંધાય છે.

અરજદારે પી.જી. પોર્ટલમાં અરજી કરી હતી
નડિયાદ તાલુકાના ભૂમેલ ગામથી ઇચ્છાપુરામાં જવા આવવાના રોડ ઉપર આવેલ એક કરિયાણા સ્ટોર આગળ બનાવેલ ગેરકાયદેસર બમ્પ દુર કરવા માટે ઈચ્છાપુરામાં રહેતા હિતેશકુમાર નવનીતભાઈ પરમારે પી.જી. પોર્ટલમાં અરજી કરી હતી. જે અનુસંધાને નડિયાદ માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ ગતરોજ સાંજના ચારેક વાગે ત્યાં બમ્પ દુર કરવા ગયા હતા. તેમની સાથે કિરાણા સ્ટોરના માલીક મંગળભાઈ બુધાભાઈ પરમાર તેના ભાઈ ચીમનભાઈ બુધાભાઈ પરમાર, અશોકભાઈ શીવાભાઈ ડાભી, રજનીભાઇ મંગળભાઈ પરમાર, રોહીત ઉર્ફે બંટી ચીમનભાઈ પરમાર, શામળ ઉર્ફે ઘનશ્યમભાઈ દશરથભાઈ પરમાર અને કનુભાઈ છોટાભાઈ પરમારેનાઓ ભેગા મળી બોલાચાલી કરી તેમને પાછા કાઢી મૂક્યા હતા‌. માર્ગ મકાનના વિભાગના અધિકારીએ ફોન કરી હિતેશકુમારને આ અંગે જાણ કરી હતી.

માથાકૂટમા એક શખ્સે ચેઈનની લૂંટ ચલાવી
દરમિયાન હિતેશકુમાર સાંજના પોણા પાંચેક વાગે ઉત્તરસંડા સ્કુલેથી દીકરાને લઈને ઘેર જતા હતા ત્યારે કિરણા સ્ટોર પાસે માલિક ચીમનભાઈ પરમાર સહિતના મળતીયા ઉભા હતા તેઓને ચીમનભાઈએ ઉભા રાખી તુ કેમ અરજીઓ કરૂ છું. તેમ જણાવતાં હિતેશ પરમારે ખિસ્સામાંથી મોબાઇલ કાઢી રેકોર્ડિંગ કરવાનું શરૂ કર્યું હતું. જેથી રાતાપીળા થયેલ રજનીભાઈ મંગળભાઈ પરમારે ઘસી આવી ફોન ઝુટવી લઈ હિતેશ પરમારને ગળુ પકડી બાઇક ઉપરથી નીચે પાડી દીધા હતા. આ સાથે ચીમનભાઈ પરમાર અને મળતીયાઓએ દુકાનની બાજુમા રાખેલ લાકડાના ડંડા લઇ આવી તેનાં વડે તેમની પર હુમલો કર્યો હતો. અને શામળ ઉર્ફે ઘનશ્યામભાઈ મંગળભાઈ બુધાભાઇ પરમાર, અશોકભાઈ શિવાભાઈ ડાભી અને રોહિત ઉર્ફે બંટી ચીમનભાઈ પરમારે લાકડાના ડંડાનો માર મારી હિતેશકુમારને ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન હિતેશ પરમારે ગળામાં પહેરેલ રૂપિયા 40 હજારની કિંમતની સોનાની ચેન ચીમનભાઈ બુધાભાઇ પરમારે તોડી લુંટી લીધી હતી.
દરમિયાન બુમાબુમના પગલે દોડી આવેલ પરિવારજનોએ હિતેશ પરમારને હુમલાખોરોની ચુંગાલમાંથી છોડાવ્યા હતા બાદ પરિવારજનોએ તેઓને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ચકલાસી પોલીસે હિતેશ પરમારની ફરિયાદના આધારે ચીમન બુધા પરમાર સહિત સાત શખ્સો વિરુદ્ધ લુંટ સહિતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...