હવે દારૂડિયાઓની ખૈર નથી:નડિયાદ અને મહેમદાવાદના ગામોમાં દારૂ પીનાર અને વેચનાર સામે સરપંચ કડક પગલા લેશે, ઢોલ વગાડી જાહેર અપીલ કરાઇ

નડિયાદ8 દિવસ પહેલા
  • લઠ્ઠાકાડનું પુનરાવર્તન ન થાય તે હેતુથી ગ્રામ પંચાયતના સરપંચો આગળ આવ્યા

ગાંધીના ગુજરાતમાં લઠ્ઠાકાંડ જેવી ઘટનાએ દારૂબંધીના કડક કાયદાને ખુલ્લો પાડી દીધો છે. બોટાદના બરવાડામા થયેલા લઠ્ઠાકાંડની ઘટના જેવી ઘટના ખેડા જિલ્લામાં ન બને તે માટે કેટલીક ગ્રામ પંચાયતોના સરપંચો પોતાની ફરજ સમજી આગળ આવી રહ્યા છે. જેમાં નડિયાદ તાલુકાના કેટલાક ગામડાઓ તથા મહેમદાવાદ તાલુકાના કેટલાક ગામડાઓના સરપંચો દારૂબંધીના કાયદાનો સખ્ત્તાઈથી અમલ કરાવી રહ્યા છે.

પંચાયતના સરપંચો આગળ આવ્યા
થોડા દિવસ પહેલા બોટાદના બરવાળા, ધંધુકા તાલુકામાં કેમિકલ યુક્ત દારૂથી મોટી સંખ્યામાં લોકોના મોત નીપજ્યા હતા. જેના પગલે સમગ્ર રાજ્ય તેમજ પોલીસ બીડામાં ખળભડાટ વ્યાપી ગયો હતો. ત્યારે આવી ઘટના ખેડા જિલ્લામાં ન બને તે માટે જિલ્લામાં ગ્રામ પંચાયતના સરપંચો પોતાના ગામમાં લઠ્ઠાકાડનું પુનરાવર્તન ન થાય તે હેતુથી દેશી દારૂ ગાળનાર તેમજ વેચનારાઓને ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવા જાહેર નોટિસ તાકીદ કરી છે.

ગામમાં દારૂ કે કેફી દ્રવ્યોનું વેચાણ કરવું નહિ
કેટલાય ગામોમાં સરપંચો દ્વારા જાહેર નોટીસ અને ઢંઢેરા કરાવી લોકોને દારૂ વેચવા કે પીવા પર પ્રતબંધ ફરમાવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના મહોળેલ ગામ,બિલોદરા ગામ, માંઘરોલી ગામ, પાલૈયા ગામ, જાવોલ ગામ, નાના વગા ગામ, અંધજ ગામ, અરજનપુર કોટ ગામ, વીણા ગામ, મહુધા તાલુકાના સલાણી ગામ જેવા ગામોમાં સરપંચો દ્વારા જાહેર નોટીસ આપીને લોકોને સૂચના આપી છે કે ગામમાં દારૂ કે કેફી દ્રવ્યોનું વેચાણ કરવું નહિ, સેવન કરવું નહિ અને દારૂ પીને ધમાલ કરવી નહીં. જો કોઈ આવું કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કાયદેસરની કાર્યવાહી કરાશે
આ ઉપરાંત મહેમદાવાદ તાલુકાના જીભાઈપુરા, હાથનોલી, ગોઠાજ, મોદજ, ઘોડાલી, ભુમાપુરા, માકવા વગેરે ગામના સરપંચોએ પણ જાહેર નોટિસથી તમામ ગ્રામજનોને દારૂ ગાળવા અને વેચાણ તેમજ પીવા પર પ્રતિબંધ મૂક્યો હોવાનું જાણવા મળે છે. સાથે સાથે ગામમાં દારૂ લાવશે કે વેચેશે કે દારૂ પીને ગામમાં ધમાલ કરી ગામની શાંતિ ડોહળવાનો કૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનોને તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી બે રોકટોક ચાલી રહી છે અને પોલીસ તંત્ર દ્વારા દારૂની પ્રવૃત્તિ કરનાર બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા હોવાનું લોકોમાં ગણગણાટ શરૂ થયો છે ત્યારે પોલીસ તંત્ર દારૂની હેરાફેરી બંધ કરાવવા આગળ આવેલા સરપંચોને પૂરતો સહકાર આપે તેવી લાગણી વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...