ઝગમગાટની તૈયારીઓ:સંતરામ મંદિરમાં દેવદિવાળી પર્વ નિમિત્તે સવા લાખ દીપમાળાઓથી સજી ઉઠશે, સાંજે 5:25એ મંદિરના પટ બંધ થશે અને 6:30એ ખુલશે

નડિયાદએક મહિનો પહેલા

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે દેવદિવાળી પર્વની તડામાર તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. મંદિરમાં સમી સાંજે હજારોની સંખ્યામાં દીપમાળાઓની હારમાળાથી સજી ઉઠશે. આ સમયે 'જય મહારાજ'ના નાદ સાથે અલ્હાદક વાતાવરણ જોવા મળશે. જોકે આ દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે મંદિર સાંજે એક કલાક બંધ રહેવાનું છે.

હજારોની સંખ્યામાં દીપમાળાઓ સુંદર નજારો જોવા મળશે
નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પર આવેલા સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી પ્રાતસ્મરણિય રામદાસજી મહારાજની નિશ્રામાં કરવામાં આવનાર છે. આવતીકાલે મંગળવારે સમી સાંજે મંદિરના શિખરથી લઈને પરિસર તથા આગળ સર્કલ સુધી હજારોની સંખ્યામાં દીપમાળાઓ પ્રગટાવવામાં આવનાર છે. અસંખ્ય દીપમાળાઓથી મંદિર સજી ઉઠશે અને ભવ્ય રોશની કરવામાં આવનાર છે. આ પર્વને લઈને મંદિર પ્રશાસને તડામાર તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. સ્વયંમ સેવકો સહિત શ્રદ્ધાળુઓ હાજર રહેશે.

દેવદિવાળીની સંધ્યા ટાંણે દીવાઓ અહીંયા પ્રગટાવવામાં આવે છે
આ અંગે સંતરામ મંદિરના નિર્ગુણદાસજી મહારાજે જણાવ્યું હતું કે, દર વર્ષે જે રીતે દીપમાળાઓ પ્રગટાવવામાં આવે છે, તે રીતે પ્રગટાવવામાં આવશે. હજારોની સંખ્યામાં દીપ પ્રગટાવવામાં આવશે. આમ તો આ દિવસ કોઈ ખાસ કાર્યક્રમ નથી હોતો. પરંતુ ભજન મંડળી દ્વારા ભજનોની રમઝટ જામે છે. અગીયારસથી પૂનમ સુધી એક ભજન મંડળી દ્વારા દરરોજ સવારે મંદિરની પરિક્રમા કરવામાં આવે છે. દેવદિવાળીની સંધ્યાએ મંદિરમાં ભવ્ય દીપમાળાઓ પ્રગટાવી રોશની કરવામાં આવે છે. આ સમયે જય મહારાજના નાદ સાથે વાતાવરણ ચારેય કોર ગૂંજી ઉઠશે. વર્ષોની પરંપરા મુજબ ભાવિકો દ્વારા દેવદિવાળીની સંધ્યા ટાંણે ગણતરીના સમયમાં 1 લાખથી ઉપરાંતના દીવાઓ અહીંયા પ્રગટાવવામાં આવે છે.

તેલ, દિવેલ તથા મીળના કોડિયાથી મંદિર ઝગમગી ઉઠશે
મંદિરના સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ, દેવદિવાળીના પર્વ પર પર લગભગ 1 લાખ 25 હજારના દીપમાળાઓથી મંદિર સજી ઉઠશે. જેમાં તેલ, દિવેલના અને મીળના કોડિયાનો ઉપયોગ થનાર છે. મંદિર પરિસરમાં લોખંડની એંગલો પર દીવાઓ સજી જય મહારાજ લખાશે. જેની તૈયારીઓનો પણ આખરી ઓપ આપી દેવાયો છે.

ગ્રહણને કારણે સાંજે 5:25 કલાકથી 6:30 દરમિયાન મંદિરના પટ બંધ રહેશે
મહત્વનું છે કે, દેવ દિવાળીના દિવસે ચંદ્રગ્રહણ પણ હોવાના કારણે ચંદ્રનો ઉદય સાંજે 5:25 કલાકે થનાર હોવાને કારણે આ દરમિયાન મંદિરના પટ બંધ થશે અને સાંજે 6:30 કલાકે મંદિરના પટ ખુલશે. ત્યાર બાદ દિવડાઓના દીપ પ્રગટાવવામાં આવશે. સૌ પ્રથમ ગાદીપતિ મહારાજ દીપ પ્રગટાવશે, ત્યાર પછી ભક્તો દીપ પ્રગટાવશે અને આ નજારો જોવા જેવો રહેશે.

અન્ય સમાચારો પણ છે...