દેશમાં વધતી મોંઘવારી સાથે ખાદ્યચીજોનો ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. ત્યારે બજારમાંથી તૈયાર ચીજ વસ્તુઓ લાવવા કરતા ઘરમાં સસ્તી, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીજવસ્તુઓ બનાવવા તરફ ગૃહીણીઓ ભાર મુકી રહી છે. હાલ કાચી કેરીના આગમન સાથે અથાણાંની સીઝન શરૂ થઈ હોઈ ગૃહિણીઓ દ્વારા ઘરે જ અથાણું બનાવવાને પ્રાથમિકતા અપાઈ રહી છે.
નડિયાદ શહેરમાં કેરી, તેલ, અથાણાનો મસાલો, લાવી ઘરે અથાણું બનાવતી મહિલાઓ બજાર ભાવ કરતા 35 ટકા સસ્તા ભાવે અથાણું બનાવી રહી છે. બજારમાં સ્ટાન્ડર્ડ કંપનીનું તૈયાર અથાણું રૂ.310 પ્રતિ કિલો ના ભાવે મળી રહ્યું છે, જ્યારે એજ અથાણું ઘરે રૂ.195ની આસપાસ બનીને તૈયાર થતા રૂ.115 નો લાભ થાય.
ઉનાળો શરૂ થાય અને કાચી કેરી આવે એટલે ગૃહીણીઓ સમગ્ર વર્ષ માટે અથાણું, છૂંદો બનાવવાની તૈયારીઓ કરતી હોય છે. જે માટે તેઓ બજારમાંથી કાચી કેરી, અથાણાંનો મસાલો, તેલ, ગોળની ખરીદીમાં લાગી જતી હોય છે. છેલ્લા બે મહિનાથી મોંઘવારી તેની સર્વોચ્ચ સપાટી પર છે, અને તમામ ખાદ્યપદાર્થોમાં ભાવ વધારો થઈ રહ્યો છે. તેમછતા ઘરે અથાણું બનાવતી ગૃહિણીઓ માટે આનંદના સમાચાર એ છેકે બજારમાં રૂ.310માં મળતા ગળ્યા અથાણાં સામે આજે પણ ઘરનું અથાણું બજાર ભાવ કરતા 35 ટકા સસ્તુ બને છે.
એક ગણતરી મુજબ એક કિલો ગળ્યા અથાળા માટે 600 ગ્રામ કેરી, 150 ગ્રામ ગોળ, 100 ગ્રામ તેલ અને 150 ગ્રામ અથાણાંનો મસાલો વાપરવામાં આવે અને ઘરે જ અથાણું તૈયાર કરવામાં આવે તો પણ ફક્ત રૂ.195માં તૈયાર થઈ જાય. જેની સાથે ગૃહિણીઓને સ્વ હસ્તે અથાણું બનાવ્યું હોય ગુણવત્તા અંગે વિશ્વાસ કેળવાઈ રહી છે. તેમજ ગૃહિણીના હાથનું બનાવેલું તાજુ અથાણું પરિવારજનોમાં પણ એક એક અલગ છાપ ઉભી કરે છે.
તૈયાર અથાણાં કરતાં મસાલાની માગ વધુ
હાલ કેરીની સીઝન ચાલું છે, જેમાં તૈયાર અથાણાં કરતા મસાલાની માંગ વધુ છે. અથાણાંના મસાલાનો ભાવ વધ્યો હોવા છતાં ગૃહિણીઓ સમગ્ર વર્ષ માટે ઘરે બનાવેલ અથાણું સંગ્રહ કરવાનો આગ્રહ રાખે છે. -કલ્પેશ શાહ, કરિયાણાના વેપારી
પતિ, દિકરાને મારા હાથનું જ અથાણું ભાવે છે
બજારમાં તૈયાર અથાણું ગમે તે ભાવે મળે, પણ મારા પતિ અને મારા દિકરા સહિત પરિવારના સભ્યોને ઘરે બનાવેલું મારા હાથનું જ અથાણું ભાવે છે. બજાર માં 50 ટકા સસ્તુ અથાણું મળે, પણ ઘરે અથાણું બનાવ્યાનો જે વિશ્વાસ મળે તે તૈયારમાં ના જ મળે. અમે દર વર્ષે 5 કિલો અથાણું બનાવીયે છે જે સમગ્ર વર્ષ દરમિયાન ચાલે છે.- જીજ્ઞાબેન ગજ્જર, ગૃહિણી
1 કિલો અથાણાંમાં આટલી વસ્તુ વપરાય | |||
વસ્તુ | વજન | ભાવ | |
કેરી | (600 ગ્રામ) | ~ 60 | |
ગોળ | (150 ગ્રામ) | ~ 20 | |
તેલ | (100 ગ્રામ) | ~ 45 | |
મસાલો | (150 ગ્રામ) | ~ 60 | |
મીઠું | ~ 5 હળદર | ~ 5 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.