વાવેતર:તમાકુનો પ્રતિ મણ રૂા. 1505 ભાવ મળતાં રાજકોટના ખેડૂતો તમાકુ વેચવા નડિયાદમાં

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચરોતરનું કાચુ સોનુ ગણાતી તમાકુનું હવે રાજકોટમાં ઉત્પાદન
  • નડિયાદ APMCમાં 1 માસમાં 1.50 લાખ મણ તમાકુનું વેચાણ

નડિયાદ | તમાકુના ઉત્પાદનમાં ચરોતર દેશ વિદેશમાં ઓળખ ધરાવે છે અને એટલે જ ચરોતરમાં તમાકુને કાચા સોના તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ તમાકુનું ઉત્પાદન હવે ફક્ત ચરોતર પુરતું સિમિત નહીં રહેતા રાજકોટ સુધી પહોંચ્યું છે.

વળી નડિયાદ એપીએમસી દ્વારા શરૂ કરાયેલા તમાકુ ખેડૂત બજાર ખરીદ કેન્દ્રમાં ઉત્પાદનના સારા ભાવ મળતા છેક રાજકોટ જિલ્લામાંથી ખેડૂતો અહીં તમાકુ વેચવા આવી રહ્યાં છે. ખેડૂતો માટે, ખેડૂતો દ્વારા, ખેડૂતોથી બનેલી નડિયાદ એપીએમસી દ્વારા ખેડૂતને મજબૂત બનાવવા માટે શરૂ કરવામાં આવેલ બજારને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

નડિયાદ એપીએમસી દ્વારા વર્ષ 2021થી તમાકુ ખેડુત બજારની શરૂઆત કરવામાં આવી છે. વર્ષમાં એકવાર યોજાતા આ તમાકુ બજારમાં ફક્ત નડિયાદ જ નહી, કપડવંજ, ખંભાત, વડોદરા અને છેક રાજકોટથી ખેડુતો તમાકુ વેચવા આવી રહ્યાં છે. પીપલગ રોડ પર ગત 2 એપ્રિલના રોજ તમાકુ ખેડુત બજાર શરૂ કરવામાં આવ્યું ત્યારથી દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો તમાકુના વેચાણ માટે અહીં આવતા હતા.

શનિવાર 7 એપ્રિલના રોજ છેલ્લો દિવસ હોય અંતિમ દિવસે 12 હજાર બોરી તમાકુની હરાજી થઈ હતી. એપીએમસી ચેરમેન અપૂર્વ પટેલે જણાવ્યું હતુ કે, આ એક મહિના દરમિયાન 3 હજાર ખેડૂતોએ દોઢ લાખ મણ તમાકુ આ બજારમાં વેચી છે. જેના થકી ખેડૂતો અને વેપારી બન્નેને ફાયદો થયો છે. ખેડૂત દ્વારા લેવાયેલ માલનું સ્થળ પર જ નિરીક્ષણ કરી એપીએમસીના અધિકારીઓની હાજરીમાં જ માલની હરાજી થતી હોય ખેડૂતોને સારામાં સારો ભાવ મળે છે.

નડિયાદથી બિયારણ લઈ જઈને રાજકોટમાં ઉછેર
હું રાજકોટના જામકંડોરણા ખાતે રહું છુ, નડિયાદના અમારા મિત્રએ મને તમાકુની ખેતી માટે પ્રેરિત કર્યા. છેલ્લા બે વર્ષથી હું નડિયાદથી બિયારણ લઈ જાવ છુ, અને જામકંડોરણામાં તમાકુની ખેતી કરુ છુ. મારે ગત વર્ષે 5 વિઘામાં ખેતી હતી, જે આ વર્ષે વધારીને 7 વિઘામાં કરી છે. અને 300 મણ તમાકુનું ઉત્પાદન થયું છે.- ચીમનભાઈ, ખેડૂત, નડિયાદ

સ્થળ પર જ હરાજી અને સ્થળ પર જ રોકડ ભાવ
નડિયાદ એપીએમસી દ્વારા શરૂ કરવામાં આવેલ બજારમાં વેપારી અને ખેડૂત ભેગા થાય છે. વેપારી માલનું સ્થળ પર જ નિરીક્ષણ કરે છે અને પછી હરાજી બોલાય છે. લઘુતમ ભાવથી હરાજી શરૂ થાય છે અને જે વેપારી વધુ ભાવ આપે તેને માલ વેચાય છે. સ્થળ પર જ ખેડૂતને રોકડ, ચેક કે યુપીઆઈ દ્વારા પેમેન્ટ આપી દેવામાં આવે છે. - શૈલેષ પટેલ, વેપારી, સંધાણા

અન્ય સમાચારો પણ છે...