પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ ભરવા લાખો પદયાત્રીઓ ડાકોર તરફ આગે કુચ કરી રહ્યા છે. ડાકોરને જોડતા તમામ માર્ગો પર ફક્ત એકજ નાદ સાંભળવા મળી રહ્યો છે. ધોળી ધજાના ધામ તરફ સતત ભક્તોનો પ્રવાહ આગળ ધપી રહ્યો છે. આવતીકાલથી સતત 3 દિવસ ભક્તો રાજાધિરાજના દરબારમાં દર્શન કરી ધન્યતા અનુભવશે.
ભક્તો માટે ડાકોરમાં ઉતારા સહિતની ખાસ વ્યવસ્થા
'જય રણછોડ માખણચોર'ના ગગનભેદી નાદ સાથે ડાકોર તરફના રસ્તાઓ ગૂંજ્યા છે. આવતીકાલથી ભક્તોના ડાકોરમાં ધામા થતાં હવે ડાકોરની ગલીઓમાં આ નાદ પહોચ્યો છે. 50-60 અને 100 એથી વધુ કીમીનુ અંતર કાપીને આવેલા લોકો માટે ડાકોરમાં ઉતારા સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જિલ્લા વહીવટી તંત્ર જણાવી રહ્યું છે. આ ઉપરાંત ભક્તોને રણછોડરાયની ભક્તિમાં ક્યાં પણ અડચણ કે બાધા ન સર્જાઈ તેવી વ્યવસ્થા ગોઠવી હોવાનું જાણવા મળે છે.
રોડ પર જ્યાં નજર પહોંચે ત્યાં પદયાત્રીઓ
ડાકોર તરફ ભક્તોનો પ્રવાહ આગળ ધપી રહ્યો છે. ધોળી ધજા સાથે પદયાત્રીઓ દુર દુરથી રણછોડરાયના દર્શન માટે ઉમટશે. અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાંથી આવતા હજારો પદયાત્રીઓ ડાકોર તરફ અવિરતપણે આગળ ચાલીને જઈ રહ્યા છે. અમદાવાદથી ડાકોર તરફ આવતા પદયાત્રીઓનો ઘસારો વધ્યો છે. આ રોડ પર જ્યાં નજર પહોંચે ત્યાં પદયાત્રીઓથી ચિક્કાર બન્યો છે. અહીંયા સેવાભાવી લોકો પણ પદયાત્રીઓની સેવામાં લાગ્યા છે. વાહન વ્યવહાર માટે બંધ થયેલા આ માર્ગ પર ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. પોલીસ તંત્ર પણ પદયાત્રીઓની સેવામાં લાગ્યું છે. પદયાત્રીઓ થાકે એટલે બે ઘડી આરામ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.