ફાગણી પૂનમનુ વિશેષ મહત્વ હોય છે. ખાસ કરીને ડાકોરમાં આ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. ખેડા જિલ્લાના ડાકોરને જોડતા તમામ ભક્તિ માર્ગો ઉપર ભક્તોનો પ્રવાહ શરુ થઇ ચૂક્યો છે. ધોળી ધજા સાથે ચાલતા અનેક સંઘો ડાકોર તરફ પ્રયાણ કર્યું છે.
ધમધોખતા તાપમાં કોઈ પદયાત્રી ચંપલ વગરની માનતા
રાજાધિરાજના દરબારમાં આ પૂનમે શીશ નમાવવા અનેક શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ધોળી ધજા સાથે બાળકો, વૃધ્ધો સાથે પરિવારના સભ્યો સૌ કોઈ ડાકોરના ઠાકોરને મળવા અસંખ્ય કીમીનુ દરરોજનું અંતર કાપી ડાકોર તરફ આવી રહ્યા છે. અમદાવાદથી મહેમદાવાદના રસ્તા પર અસંખ્ય પદયાત્રીકો જોવા મળી રહ્યા છે. ધમધોખતા તાપમાં કોઈ પદયાત્રી ચંપલ વગર તો કોઈ પદયાત્રીઓ વિવિધ માનતા રાખેલી હોય તેને પુરી કરવા ડાકોર તરફ આગળ જઈ રહ્યા છે.
રાસ્કા પાસેથી મહેમદાવાદ ખાત્રજ ચોકડી વચ્ચે અસંખ્ય સેવાકીય લોકોએ ટેન્ટ બાંધાયા
'ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે' જેવા ગગભેદી નાદ સાથે ડાકોર તરફ ભક્તો આગળ જઈ રહ્યા છે. તો આ તરફ વિવિધ સેવાકીય લોકોએ પણ પગપાળા જઇ રહેલા પદયાત્રીકોના સહારે આવ્યા છે. ખેડા જિલ્લાની હદમાં વાત કરીએ તો રાસ્કા પાસેથી મહેમદાવાદ ખાત્રજ ચોકડી વચ્ચે અસંખ્ય સેવાકીય લોકોએ ટેન્ટ બાંધી શામીયાણામા ભંડારા, ચા નાસ્તા, આરામની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. તો ખાસ કરીને મેડીકલની પણ સુવિધાઓ પદયાત્રીકોને આપવામાં આવી રહી છે. બીજી બાજુ ખેડા જિલ્લા પોલીસ તંત્ર તેમજ જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ ગોઠવાઈ ગયું છે અને પદયાત્રીકોને ક્યાં તકલીફ ન પડે તેવા આયોજન કરાયું છે.
ડાકોરમાં ફાગોત્સવમા વિવિધ કલાકારો આવશે
ડાકોર ફાગોત્સમાં બે દિવસ દરમ્યાન સમગ્ર ગુજરાતમાંથી ખ્યાતનામ કલાકારો અને કલાવૃંદો આવી રહ્યા છે અને તેમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત થનાર છે, આ કાર્યક્રમની ખાસ ઉપસ્થિતિ રૂપે ગુજરાતનાં ખ્યાતનામ કલાકાર અને હાલમા જ જેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીની ઉપાધિથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે તેવા હેમંતભાઈ ચૌહાણ અને સાથે ખ્યાતનામ કલાકાર પ્રીત ગૌસ્વામી પણ પ્રસ્તુતિ રજૂ કરવાના છે.
ખેડા જિલ્લામાં પદયાત્રીઓનુ આગમન
ડાકોર તરફ ચાલતા જતા ભક્તોમાં ઉમંગ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. જિલ્લાના પ્રવેશ દ્વાર એવા કનીજ ખાતે રણછોડજી મંદિર દ્વારા પદયાત્રીકો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. ચા, નાસ્તા સહિત જમવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આજે પ્રથમ દિવસે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ, સુંદરકાંડ પ્રચારક અશ્વિન પાઠક, નડિયાદ સંતરામ મંદિરના નિર્ગુણદાસજી મહારાજ, સત્યદાસજી મહારાજ, મધુરમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ પૂર્વ સાંસદ હરિનભાઈ પાઠક, પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ, અમદાવાદના કોર્પોરેટર મીરાબેન, રાષ્ટ્રધર્મ પ્રચારક ધર્મેન્દ્રભાઈ પાઠક, પ્રવીણભાઈ પટેલ, રમેશભાઈ કાંટાવાળા, ખીમજીકાકા, વાડીલાલ પટેલ, રાજુભાઈ શેઠ, ભરતભાઈ સોની, દોલતસિંહ પરમાર તેમજ અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.