માતર બોગસ ખેડૂત પ્રકરણ:મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અચાનક મામલતદાર કચેરીએ આવીને 1730 કેસો‌ ચકાસ્યા, 628 કેસો શંકાસ્પદ ગણાવ્યા

નડિયાદ11 દિવસ પહેલા
  • 500 જેટલા લોકોને પુરાવા રજૂ કરવા માટેની નોટિસો પણ આપી દેવાઇ: રાજેન્દ્ર ત્રિવેદી
  • આમાં જે અધિકારીઓને સંડોવણી હશે તેને છોડીશું નહીં: રાજેન્દ્ર ત્રિવેદી

રાજ્યમાં બોગસ ખેડૂત ખાતેદારોનુ કૌભાંડ બે માસ પહેલા ખેડા જિલ્લાના માતર પંથકમાંથી ઉજાગર થતા હડકંપ મચી જવા પામ્યો હતો. આ કૌભાંડમા જે તે સમયના જિલ્લાના અધિક કલેકટર એસ.કે. લાગા સામે પણ આક્ષેપો થયા હતા અને તેના દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ત્યારે આજે અંદાજિત 2 માસના સમય પછી મહેસૂલ મંત્રી અચાનક ખેડા જિલ્લાના માતર મામલતદાર કચેરીએ આવી પહોંચ્યા હતા. જેમાં મંત્રીએ જણાવ્યું કે, આ કૌભાંડમાં સંડોવાયેલા આધિકારીઓને પણ છોડીશું નહીં. તેમણે કહ્યું કેસ કુલ 1730 કેસો‌ ચકાસ્યા છે જેમાંથી 628 કેસો ભારે શંકાસ્પદ જણાયા છે.

628 કેસો શંકાસ્પદ
ખેડા જિલ્લાના માતર પંથકમાંથી થોડા દિવસ અગાઉ બોગસ ખેડૂત ખાતેદારોનુ કૌભાંડ બહાર આવ્યું હતું. ગાંધીનગરની મહેસૂલ વિભાગની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. અંદાજીત 500થી વધુ બોગસ ખેડૂત ખાતેદારો બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. જે તે સમયે ગાંધીનગરની મહેસૂલ વિભાગની ટીમે દસ્તાવેજી રેકોર્ડ કબ્જે કરી પોતાની સાથે ચકાસણી અર્થે લઈ ગઈ હતી. લગભગ 1 હજાર 730 કેસો ચકાસ્યા હતા. તેમાથી 628 કેસો ભારે શંકાસ્પદ હોવાનું આજે ખુદ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે. આમાથી 500 લોકોને જે તે સમયે એકીસાથે નોટીસો પણ આપી દેવાઈ હતી.

વર્ષ 2012- 2013ના પણ કેટલાક કેસો જોવા મળ્યા
શનિવારે એકાએક રાજેન્દ્ર ત્રિવેદી માતર મામલતદાર કચેરીએ આવી પહોંચ્યા હતા. જ્યા રેવન્યુ મિનિસ્ટરે માતર મામલતદાર ભગત પાસેથી આ કૌભાંડની સંપૂર્ણ માહિતી મેળવી હતી. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મુલાકાત લઇ આગળની તપાસ હાથ ધરી છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં હડંકપ મચી ગયો છે. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સરકારે નિર્ણય કર્યો છે કે કોઈપણ બોગસ ખેડૂત ગમે તેટલો મોટો ચબરબંધી હશે પણ જો બનાવટી ખેડૂત બનીને ખેડૂત બનવા જશે તો આ સરકાર નહીં બનવા દે. તેની જમીન સરકાર હસ્તક થઈ જશે. અમારી પોતાની વ્યવસ્થા છે અમે પણ બાતમીદારો રાખીએ છીએ અને તેના લીધે જ અમને માહિતી મળતી હોય છે. આ માહિતી છેલ્લા બે મહિનાથી ચાલુ હતી અને આ માહિતીના આધારે કેસો તપાસવામાં આવ્યા છે. બે મહિનાની મહેનત છે વર્ષ 2012- 2013ના પણ કેટલાક કેસો જોવા મળ્યા છે. અહીંયા અધિકારી સામે પણ આક્ષેપો થયા છે. આવા અધિકારીઓને પણ અમે છોડીશું નહીં.

500 જેટલા લોકોને પુરાવા રજૂ કરવા માટેની નોટિસો પણ આપી દેવાઇ
વધુમા જણાવ્યું હતું કે, બનાવટી દસ્તાવેજો જેમને રજૂ કર્યા છે એમને દસ વર્ષની જનમ ટીપની સજા થાય તેવા જોગવાઈ મુજબ આઈપીસી 465,67, 68 તમામ લાગશે. પોલીસ વિભાગ સતત અમારા સંકલનમાં છે. આના પછી પોલીસ વિભાગ સાથે પણ મિટિંગ થવાની છે. આખી ચકાસણીના અંતે 1730 કેસો ચકાસ્યા છે જેમાંથી 628 ભારે શંકાસ્પદ કેસો બહાર આવ્યા છે. આમાંથી લગભગ 500 જેટલા લોકોને પુરાવા રજૂ કરવા માટેની નોટિસો પણ આપી દેવામાં આવી છે. સાચો માણસ દંડાઇ નહીં અને ખોટો બચીને જાય નહીં. માતર કેમ કોઈપણ જગ્યાએ આવા ખેડૂતો બન્યા હશે તો તેને છોડવામાં આવશે નહીં. પોલીસ તમારા આંગણે ટકોરાં વગાડી રહી તેમ સમજજો, મહેસુલ વિભાગ આ તમામ કિસ્સામાં પોલીસને સામૂહિક કેસોની તપાસ માટેની વિશિષ્ટ સીટની રચના કરવા માટે પણ મહેસુલ વિભાગ તરફથી ગૃહ વિભાગને જાણ કરાશે. જેથી આની તપાસ તટસ્થ રીતે થાય અને દરેકની ઇન્ડિવિઝ્યુલ ફરિયાદ થાય, અમુક બાબતો હું જાહેર કરવા માગતો નથી.

ખોટા ઉતારા મેળવી નોંધ પડાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું
આમ છતાં પણ માતર તાલુકામા જમીન વેચાણ રાખનારમાં મોટેભાગે અમદાવાદના દસકોઈ, નારોલ, પેટલાદ, પ્રાંતિજ, નડિયાદ ગ્રામ્ય, ધોળકા, ઊંઝા, શહેરા, ખેડા, ડભોઈ, થરાદ, રાણપુર, મહેમદાવાદ, સાણંદ, ધોળકા, સોજીત્રા, મહુધા, સિનોર, અંકલેશ્વર, ખંભાળિયા, ભાણવડ એવા તાલુકાના ગામોના ભળતા નામોના વ્યક્તિઓએ જે ખેડૂત ખાતેદાર હોય તેમના સાતબારના ઉતારા મેળવી આ જમીનો વેચાણ રાખી ખોટી નોંધ પડાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આમાં ક્યાંક ને ક્યાંક જે તે સમયે તંત્રની પણ ચૂક અને બદ ઈરાદો હોવાનું પણ શક્યતા હોવાનું જણાય આવ્યું છે.

કડક કાર્યવાહી કરાશે
આ મામલે જાગૃત નાગરિકોએ લેખિતમાં મહેસુલ વિભાગને જાણ કરી છે જેથી આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતનો દરજ્જો એટલે ધરતીનો તાતનો દરજ્જો છે એ દરજ્જો ખોટી રીતે મેળવતા હોય તો ખોટું છે. માતરમાં આટલી મોટી સંખ્યામાં અને વિશિષ્ટ રીતે એક જ ધર્મના સમુદાયના લોકો આવી જમીનો ખરીદીને સામૂહિક રીતે આ જગ્યાને બ્લોક કરવા માંગતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને આવા પૈસા ક્યાંથી આવ્યા કોણે આપ્યા કરોડો રૂપિયા ક્યાંથી કોણ લાવ્યું? તે બાબતે તપાસ થનાર છે. હાલ સમગ્ર કેસમાં કોઈ ઢીલાશ ન થાય તેની કાળજી રાખવામાં આવી રહી છે.

ભગવાનના મંદીરને પણ આ લોકો છોડતા નથી: મંત્રી
મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ દુઃખ વ્યકત કરતા કહ્યું કે, ભગવાનના મંદીરને પણ આ લોકો છોડતા નથી. વણસર ગામના મહાદેવના મંદિરના નામે બોલાતી જમીન પણ વહીવટ કરતાએ જમીન વેચાણમાંથી પ્રાણનાથ મહાદેવનું નામ કમી કરી દીધું અને એ રીતે આ જમીન ખરીદી છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, શ્રાવણ માસનો પવિત્ર મહિનો ચાલે છે. ભગવાન મહાદેવની મંદિર જે વ્યક્તિએ લીધી છે, એને છોડવામાં આવશે નહિ. ગુજરાત સરકાર કોઈ પણ ધર્મના ધાર્મિક સ્થાનની, ખેતીની, જમીનમાં વહીવટકર્તાનું નામ ઘુસાડી અને પડાવી લેવા વિચારતા વ્યક્તિને નહિ છોડે. માતરમાં એક ધર્મના ખાતેદારની જમીનમાં વીલથી અન્ય ધર્મના વ્યક્તિનું નામ દાખલ થયું છે અને માતરમાં એક બારોટની જમીનને ગઢવીના નામે ખોટી રીતે કરવામાં આવી છે તેની પર પણ કેસ કરવામાં આવશે.

બંને નામ અલગ પણ વ્યક્તિ એક જ
આ તમામ જમીન સરકાર હસ્તક લેવાની તમામ કાર્યવાહી કરવામાં આવશે. મહેમદાવાદ તાલુકાના રૂદણની જમીન એક બહેનના નામે હતી જેનું નામ બદલીને અન્ય બહેનનું ભળતું નામ કરી નાંખવામાં આવ્યું. હકીકતમાં આ બંને બહેનાના નામ ફેર હતા પરંતુ વ્યક્તિ એક જ હતી. અને ત્યાર બાદ તેમના પૌત્ર ગુલામનબીનું નામ દાખલ કરવામાં આવ્યું. આ બહેન સામે પણ કેસ કરવામાં આવશે અને ફોજદારી ફરિયાદો કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

માતા 49 વર્ષની અને પુત્ર 51 વર્ષનો: મંત્રી
આ મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે, કેટલાક ડોક્યુમેન્ટ ચેક કરતા એક ડોક્યુમેન્ટમાં એટલે કે ખેડૂત બનવાના બનાવટી દસ્તાવેજની ચકાસણી દરમિયાન એક પેઢીનામામા વર્ષ 2006માં થયેલી વારસાઈમાં માતાની ઉંમર 49 વર્ષ અને પુત્રની ઉંમર 51 વર્ષ દર્શાવવામાં આવી છે. આ કેવી રીતે શક્ય બને? આ રિતસરનું કૌભાંડ છે જેમાં અધિકારીઓ પણ સામેલ છે. તમામ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે‌.

તાજેતરમાં પૂર્વ IAS અધિકારી બોગસ ખેડૂત ખાતેદાર બન્યા હોવાનો પર્દાફાશ થયો હતો
તંત્ર દ્વારા બોગસ ખેડૂતોની થઈ રહેલી તપાસના લપેટામાં પૂર્વ કલેકટર પણ આવી ગયા છે. માતર તાલુકાના વિરોજા ગામે બોગસ ખેડૂત કૌભાંડની તપાસમાં બે વર્ષ અગાઉ પૂર્વ કલેકટર તરીકે નિવૃત્ત થયેલા એસ.કે. લાંગાનું નામ બહાર આવ્યું હતું. તંત્ર દ્વારા આ મામલે ગણોતધારા મુજબ ગુનો પણ દાખલ કરી કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે. રિટાયર્ડ કલેક્ટર દ્વારા વિરોજા ગામે 4 હેક્ટર 22.44 ગુંઠા જેટલી જમીન ચાલુ વર્ષે 2022માં ખરીદી છે, જેનો સર્વે નં.280 છે.

અન્ય સમાચારો પણ છે...