સામાન્ય સભામાં લેવાયા મહત્વના નિર્ણયો:ગળતેશ્વરની બે પંચાયતોને અલગ દરજ્જો આપવા ઠરાવ કરાયો, ડિપી એન્ટરપ્રાઇઝનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો નિર્ણય લેવાયો

નડિયાદ18 દિવસ પહેલા
  • જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મહત્વના નિર્ણયો લેવાયા
  • કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાની સમસ્યાઓને ધ્યાનમાં લેવાતી ન હોવાનો ગણગણાટ કર્યો

ખેડા જિલ્લા પંચાયતની ગુરુવારે બપોરે એક કલાકે જિલ્લા પંચાયત સ્થિત પટેલ હોલમાં સામાન્ય સભાનું આયોજન થયું હતું. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉપપ્રમુખ હાજર રહ્યા હતા. આ સામાન્ય સભામાં રૂટિન કામો લેવામાં આવ્યા હતા. સભામાં હાજર રહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાની સમસ્યાઓને ધ્યાનમાં લેવાતી ન હોવાનો ગણગણાટ કર્યો હતો. પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખે સભ્યોની સમસ્યાઓનો સંતોષકારક નિકાલ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.

ખેડા જિલ્લા પંચાયતની આજ રોજ સામાન્ય સભા પંચાયતના પટેલ હોલમાં મળી હતી‌. આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ તેમજ મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીત સહિત તમામ સભ્યો હાજર રહ્યા હતા.

સામાન્ય સભાની શરૂઆતમાં એજન્ડા મુજબના 7 કામ લેવામાં આવ્યા હતા, જે કામો રૂટિન હતા. અધ્યક્ષ સ્થાનેથી ત્રણ કામ લેવામાં આવ્યા હતા, જેમાં જૈવિક વિવિધતા સમિતિઓની રચના થઈ હતી. આમાં અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન, સભ્ય તરીકે ઉષાબેન, મીનાબેન, પાર્વતીબેન, દિનેશભાઈ તેમજ અજીત ડાભી તથા વિવિધ શાખાના અધિકારીઓ મળી 11 સભ્યોની સમિતિની રચના જાહેર કરવામાં આવી હતી.

આ સાથે સાથે આઉટસોર્સિંગનો કોન્ટ્રાક્ટ DP એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યો છે. પરંતુ આઉટસોર્સિંગમાં વિવિધ શાખામાં કામ કરતા કર્મચારીઓને નિયમિત પગાર આપવામાં આવતો ન હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના આધારે ડિપી એન્ટરપ્રાઇઝનો કોન્ટ્રાક્ટ રદ કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવાયો છે. ઉપરાંત હવે નવી કોઈ સંસ્થાને આઉટસોર્સિંગનો કોન્ટ્રાક્ટ અપાશે એવો ઠરાવ કરાયો છે.

આ સામાન્ય સભામાં ગળતેશ્વર તાલુકા પંચાયતની બે ગ્રામ પંચાયતનું વિભાજન કરી અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાના કામને લેવામાં આવ્યું હતું. જે કામે આજની સભામાં સર્વાનુમતે ઠરાવ કરાયો છે. આ ગ્રામ પંચાયતમાં ગળતેશ્વર તાલુકાના વસોમાંથી ભીમકુઈ તેમજ વાડદમાંથી તરગૈયા ગ્રામ પંચાયતને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

આ સાથે સાથે હાલ ઉનાળામાં ખેડા જિલ્લાના ઠાસરા અને મહુધા પંથકમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકરાળ સર્જાય છે. આ જટિલ સમસ્યાનો ઉકેલ લાવવા ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર અને મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિહે આ બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેને આ મામલે આક્રમક રજૂઆત કરી છે. જેમા આ બંને ધારાસભ્યએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં આવેલા 22 જેટલા ગામો જેવાકે નિઝામપુર, મહીસા, બગડું, ચેતરસુંબા, સાયલા, મૂળજ વગેરેમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઉભો થયો છે. આ બાબતે રજૂઆતો સંબંધિત કચેરીમાં કરવામાં આવી છે. પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો.

તો સામે વળતો જવાબ આપતાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ જણાવ્યું હતું કે આ બાબતે તેઓ જિલ્લા કલેક્ટરને તેમની લાગણી પહોંચાડશે. તેમજ વહેલી તકે આ સમસ્યા દૂર થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. આ કામ પાણી પુરવઠા વિભાગે કરવાનું હોય છે. તેમ છતાં તેઓ રસ લઈને પ્રજાની સમસ્યા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરશે. તો બીજી બાજુ જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર થાય તે માટે કામગીરી ચાલે છે. લાખોના ખર્ચે પાણીની લાઇનો નાખવામાં આવેલી છે, જે કામ ટૂંક સમયમાં જ પૂર્ણ થશે જેથી બાદમાં કોઈ સમસ્યા રહેશે નહી.

અન્ય સમાચારો પણ છે...