રાજહંસ ગ્રૃપ વેરો ભરી રહ્યું નથી:11 લાખનો બાકી વેરો ભરવામાં રાજહંસ સિનેમાની આનાકાની

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરસંડા ગ્રામ પંચાયતે 10 વર્ષમાં અનેક નોટિસો આપી
  • કર્મીઓને નોટિસ આપવા પ્રવેશવા દેતા નથી : સરપંચ

નડિયાદ ઉત્તરસંડા રોડ પર આવેલ રાજહંસ સિનેમા ગ્રામ પંચાયતનો વેરો નહીં ભરવાને લઇ વિવાદમાં આવી છે. વર્ષ 2012 થી 2022 સુધીના 10 વર્ષનો રૂ.11 લાખનો વેરો બાકી હોવા બાબતે ગ્રામ પંચાયત દ્વારા વારંવાર સિનેમા મેનેજરને જાણ કરવા છતાં રાજહંસ ગ્રૃપ વેરો ભરી રહ્યું નથી.

સમગ્ર બાબતે ઉત્તરસંડા ગ્રામ પંચાયતના સરપંચ ઇશીત પટેલે જણાવ્યું હતું કે અગાઉ 2008થી 2012 સુધી અંદાજીત રૂ.4 લાખનો વેરો બાકી હતો. જે ઉચ્ચ કક્ષાએ કેસ ચાલતા કોર્ટના આદેશ મુજબ વેરો ભરાવ્યો હતો. પરંતુ ત્યારબાદ ફરીથી 2012 થી 2022 સુધી નો રૂ.11 લાખ ઉપરાંતનો વેરો સંચાલકો દ્વારા ભરવામાં આવ્યો નથી.

જે બાબતે વારંવાર પંચાયત દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે. પરંતુ રાજહંસ ગ્રૃપ ખુબ મોટુ હોઈ જવાબદાર વ્યક્તિઓ દ્વારા કોઇપણ પ્રકારની દાદ આપવામાં આવતી નથી. સરપંચે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ને પણ જાણ કરી છે.

જીઈબીનું કનેક્શન કાપવા અમે જાણ કરીશું
જો કંપની દ્વારા વેરો ભરવામાં નહીં આવે તો અમારે મજબુરન કાયદેસર કાર્યવાહી કરવી પડશે. અમે જીઈબીનો સંપર્ક કરી લાઈટ કનેકશન કાપવા રજૂઆત કરવાના છીએ.> ઇશીત પટેલ, સરપંચ, ઉત્તરસંડા ગ્રામ પંચાયત

અન્ય સમાચારો પણ છે...