ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ દ્વારા દર વર્ષે ખેડૂતો પાસેથી ડાંગર, બાજરી, ઘઉં જેવી ખેત પેદાશો ખરીદવામાં આવે છે. ત્યારે ખેડા જિલ્લામાં ખેડૂતો દ્વારા પકવવામાં આવતી બાજરી ની ખરીદીને ચાલુ વર્ષે મોળો પ્રતિસાદ મળ્યો હતો. સરકારના અને બજારમાં ખાનગી વેપારીના ખરીદ ભાવમાં ફક્ત રૂ.10 નો ફર્ક હોવા છતાં પુરવઠા વિભાગ બાજરીની ખરીદી માં ખેડુતોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું હતું. જેના કારણે ચાર તાલુકાના ફક્ત 117 ખે્ડુતોએ સરકારના ટેકાના ભાવે બાજરી વેચવામાં રસ દાખવ્યો હતો. જોકે વેચવાના સમયે ફક્ત 7 ખેડુતો જ આવતા સરકારે રૂ.7 લાખની 31, 200 ક્વિન્ટલ બાજરીની ખરીદી કરી હતી.
ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ દ્વારા ચાલુ વર્ષે ખેડૂતો પાસેથી ચોમાસું ડાંગર તેમજ બાજરી ખરીદવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લાના કઠલાલ, કપડવંજ, વસો અને નડિયાદ ગ્રામ્ય વિસ્તાર માંથી ખેડૂતોએ નોંધણી કરાવી હતી. શરૂમાં ચાર તાલુકામાંથી કુલ 117 ખેડૂતોએ બાજરીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ જ્યારે બાજરી વેચવાનો સમય આવ્યો ત્યારે કઠલાલ માંથી 3 ખેડૂતોએ 7,550, કપડવંજ માં 91 માંથી 7 ખેડૂતોએ 11,450, વસોમાંથી એક ખેડૂત તથા નડિયાદ ગ્રામ્ય માંથી 6 ખેડૂતોએ 8,200 ક્વિન્ટલ મળીને કુલ 17 ખેડૂતોએ 31,200 ક્વિન્ટલ બાજરી ટેકાના ભાવે પુરવઠા નિગમના ગોડાઉનમાં વેચાણ કર્યું હતું. આમ સરકારનો ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની વાતો ફક્ત કાગળ પર રહી હોય તેમ નાગરિક પુરવઠા નિગમ દ્વારા 31 ડિસેમ્બર સુધી ફક્ત રૂ.7,33,210 ની 31,200 ક્વિન્ટલ બાજરીની જ ખરીદી કરવામાં આવી હતી.
કપડવંજમાં 91 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું પરંતુ વેચવા ફક્ત 7 આવ્યા
ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા દરમિયાન કપડવંજ પંથકમાં સૌથી આશ્ચર્ય જનક સ્થિતિ સામે આવી છે. અહી શરૂઆતના તબક્કે 91 ખેડુતોએ બાજરીના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ જ્યારે વેચવાની સમય આવ્યો ત્યારે ફક્ત 7 જ ખેડૂતો દ્વારા 11,450 મેટ્રીક ટન બાજરી વેચાણ કરી છે. હવે સરકાર દ્વારા જાહેર કરેલ ટેકાનો ભાવ ખેડૂતોને ઓછો પડ્યો કે પછી પુરવઠા વિભાગ ખેડૂતો પાસે પહોંચી શક્યું નહીં તે તપાસનો વિષય છે.
જટિલ પ્રક્રિયાને કારણે ખેડૂતો નિરસ!
સ્વાભાવિક છેકે ચાલુ વર્ષે સરકાર દ્વારા બાજરીની ખરીદી માટે રૂ.470 પ્રતિ મણ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. જ્યારે બજારમાં ફક્ત રૂ.10 ના વધારા સાથે ભાવ રૂ.480 પ્રતિ મણ હતો, તેમ છતાં પુરવઠા વિભાગની આડોડાઈ તેમજ જટિલ પ્રક્રિયાને કારણે ખેડૂતો ટેકાના ભાવે બાજરી વેચવામાં રસ નહીં દાખવ્યો હોવાનું જણાવ્યું હતું. આ અંગે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ ખેડૂતો ઈચ્છે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.