ઉત્તરાયણ પર્વ નજીક આવતાં ચાઈનીઝ દોરીની બોલબાલા વધી છે. રાજ્ય સરકારે આવી ઘાતક દોરી પર પ્રતિબંધ મૂક્યો છે. અત્યાર સુધી આ ઘાતક દોરીએ કેટલાયના જીવનની લાઈફ લાઈન ઘટાડી છે. તેવામાં હાઈકોર્ટે ગતરોજ સરકારના ઝાટકણી કાઢી હતી અને કડક પાલન કરવા આદેશ આપતાં રાજ્યની પોલીસ હરકતમાં આવી ગઈ છે. ખેડા જિલ્લામાં ચાઈનીઝ દોરીની ફરિયાદો ઉઠતા પોલીસ હવે સક્રિય થઈ છે અને હાઈકોર્ટની ટકોર બાદ એક્શન મોડમાં આવી ચૂકી છે. ગતરોજ મહેમદાવાદ પોલીસે 2 અને આ વિસ્તારમાં SOG પોલીસે 1 મળી કુલ 3 જુદીજુદી જગ્યાએથી અને કપડવંજ પોલીસે બે જગ્યાએથી આવી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની રીલો મોટી માત્રામાં પકડી પાડી છે. પોલીસે મહેમદાવાદના બજાર, કાચ્છઈ, નેનપુર ચોકડી પાસેથી કુલ 1.14 લાખની ઘાતક ચાઈનીઝ દોરીની રીલો કબ્જે કરી છે. જ્યારે કપડવંજ પોલીસે બસ સ્ટેશન અને કપડવંજ બાયપાસ રોડ પરથી ચાઈનીઝ દોરી પકડી લીધી છે. આમ કુલ 1.38 લાખની ઘાતક ચાઈનીઝ દોરીની રીલો પોલીસના હાથે ઝડપાઇ છે. પોલીસે આ બનવાના કેસમા બે કાર, મોબાઈલ ફોન, રોકડ રૂપિયા સહિત કુલ મળી 7.44 લાખનો મુદ્દામાલ સાથે 7 વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગ અનવ્યે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
SOGએ મહેમદાવાદના નેનપુર પાસેથી 90 હજારની દોરીનો જથ્થો ઝડપ્યો
ખેડા જિલ્લાના મહેમદાવાદ પોલીસની હદમા SOG પોલીસે ગતરોજ નેનપુર ચોકડી પાસેથી અર્ટીકા કાર નંબર (GJ 27 AA 9062)માથી 5 બોક્સમા ચાઈનીઝ દોરીના ફિરકા નંગ 300 ઝડપી લીધા હતા. જેની કિંમત રૂપિયા 90 હજાર છે. પોલીસે આ બનાવમાં કાર ચાલક રવિકુમાર દોલતભાઈ અગ્રવાલ (રહે. બારેજડી, તા.દસક્રોઈ, જિ.અમદાવાદ)ને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી હતી. પોલીસે આ બનાવમાં ઉપરોક્ત આરોપી પાસેથી કાર સહિત એક મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા 51 હજાર 700 મળી કુલ રૂપિયા 5 લાખ 46 હજાર 700નો મુદ્દામાં જપ્ત કર્યો હતો.
આ બાદ મહેમદાવાદ પોલીસ સફાળી જાગી આ મામલે કાર્યવાહી કરી છે. જેમાં શહેરના બજાર વિસ્તારમાંથી પોલીસે આવી ઘાતક દોરીને કુલ નંગ ફિરકા 60 સાથે વેપારી સલીમભાઈ બસીરમીયા મલેકને ઝડપી લીધો છે પોલીસે તેની પાસેથી કુલ રૂપિયા 18 હજારની ચાઈનીઝ દોરી કબ્જે કરી છે. તો અન્ય બનાવમાં મહેમદાવાદ તાલુકાના કાચ્છાઈ ગામેથી પોલીસે આવી પ્રતિબંધિત દોરી ના ફિરકા નંગ 23ની રીલ જેની કુલ કિંમત 6 હજાર 900ની દોરી પકડી પાડી છે.
કપડવંજ પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે ચાર જણને ઝડપ્યા
જ્યારે કપડવંજ પોલીસે બે અલગ- અલગ સ્થળોએથી ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે કુલ ચાર લોકોને ઇકો ગાડી સાથે 1 લાખ 73 હજાર 100નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. જેમાં સમીરભાઇ સલીમભાઇ મલેક, મહમંદઅબુબક્ર ઉર્ફે મહમ્મદઅલી બિસ્મીલ્લાખાન પઠાણ અને મહમંદઅબુબક્ર ઉર્ફે મહમ્મદઅલી બિસ્મીલ્લાખાન પઠાણને કપડવંજ શહેરના બસ સ્ટેશન પાસેથી 5 હજાર વારના ચાઈનીઝ દોરીના ફીરકા નંગ 29 કિંમત રૂપિયા 8 હજાર 700 તેમજ કપડવંજ - દાણા - કઠલાલ બાયપાસ રોડ ઉપર એક ઇસમ મહંમદસાહીલ ઉર્ફે સોહીલ મકસુદહુસેન શેખ (રહે.મહુધા, ફીણાવ ભાગોળ)ને ઝડપી લીધા છે. પોલીસે તેની પાસેથી પણ 5 હજાર વારના ચાઈનીઝ દોરીના ફીરકા નંગ 48 કિંમત રૂપિયા 14 હજાર 400 અને કાર મળી કુલ રૂપિયા 1 લાખ 64 હજાર 400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આમ પોલીસે આ તમામ લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ અન્વયે ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.