માવઠાની મોંકાણ:ખેડા જિલ્લામાં રાયડાનો પાક કાળો પડવાની ભીતિ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1.02 લાખ હેક્ટર પાકને માથે તોળાઈ રહેલો ખતરો ઃ ખેડૂતો ચિંતામાં
  • બટાકા અને તમાકુના પાકને વધુ નુકસાન

વાતાવરણમાં બદલાવને પગલે શિયાળુ ખેતીને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડા જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય પંથકમાં બુધવારે વહેલી સવારે માવઠું થયું હતું. જેના કારણે ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીરો છવાઈ ગઈ હતી. ખેડા જિલ્લામાં હાલ રાયડાનો પાક તૈયાર થઈ ગયો છે. જેના પર કમોસમી માવઠું થતા પાક કાળો પડી જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વહેલી સવારે માવઠું થતા જ ખેડૂતોએ પાક બચાવવાની કામગીરી શરૂ કરી હતી.

ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે 1.02 લાખ હેક્ટર વિસ્તારમાં શિયાળુ ખેતીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં 44 હજાર હેક્ટરમાં ઘઉ, 22 હજાર હેક્ટરમાં તમાકુ, 3600 હેક્ટરમાં બટાકા, 254 હેક્ટરમાં મકાઈ, 1585 હેક્ટરમાં ચણા, 2691 હેક્ટરમાં રાઈ, જીરું, વરીયાળી, અને શાકભાજીનો સમાવેશ થાય છે. એક તરફ શિયાળો બરાબર જામતો ન હોઈ અગાઉથી જ પાકને નુકશાની જવાની ભીતિ હતી.

તેમાંય પાછો વાતાવરણમાં બદલાવ થતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. બુધવારે વહેલી સવારે પડેલા કમોસમી વરસાદને કારણે તૈયાર થઇ ગયેલા રાઈના પાકને વિશેષ નુકશાનીનો ખતરો રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ ઉપરાંત તમાકુનો પાક પણ તૈયાર થઇ ગયો છે. જેના પાન કમોસમી વરસાદમાં ભીના થતા ઉતારાને નુકસાન થશે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...