ટ્રેકટરોની ખરીદીની પ્રક્રિયા ઘોંચમાં:ખેડા જિલ્લા પંચાયત દ્વારા ટ્રેક્ટરની ખરીદી ટલ્લે ચઢી, કાર્યકરોની અવાર નવારની પુચ્છાથી સભ્યો અકળાયા

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા આયોજન મંડળ દ્વારા વિવિધ વિકાસ કામોનું આયોજન થાય છે. ત્યારે જિલ્લા પંચાયત સભ્યના આયોજનમાં મૂકવામાં આવેલ ટ્રેકટરો હજુ સુધી ફાળવવામાં ન આવતા ગ્રામ્ય પ્રજામાં શંકા કુશંકા થઈ રહી છે. ત્યારે જિલ્લા પંચાયત દ્વારા વહેલી તકે ટ્રેક્ટરની ફાળવણી કરવા લાગણી વ્યાપી છે.

આયોજનની 10 ટકા ગ્રાન્ટમાંથી પોતાના વિસ્તારના ગામો માટે ટ્રેક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો
સરકાર દ્વારા વિકાસ કામો માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં ધારાસભ્ય, સંસદ સભ્યની ગ્રાન્ટ ઉપરાંત એટીવીટી તેમજ નાણાપંચની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કામોનું આયોજન કરવામાં આવે છે. ખેડા જિલ્લા પંચાયતની મુદત પૂરી થવાને આરે છે. ત્યારે જિલ્લા પંચાયત સભ્યો દ્વારા આયોજનની 10 ટકા ગ્રાન્ટમાંથી પોતાના વિસ્તારના ગામો માટે ટ્રેક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેને એક વર્ષ જેટલો સમય થવા છતાં હજુ સુધી જિલ્લા પંચાયત સભ્યોના વિસ્તારમાં ટ્રેક્ટરો પૂરા પાડવામાં આવ્યા નથી.

જિલ્લા પંચાયતની મુદ્દત પૂર્ણ થાય તે પહેલાં કાર્યવાહી કરવા માગ
સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ ડોર ટુ ડોર કચરો ઉઠાવવાની યોજના છે. પરંતુ ઓછી આવક ધરાવતા ગામોમાં કચરા ઉપાડવાના સાધનોના અભાવના કારણે ડોર ટુ ડોર કચરો ઉપાડવાની યોજના કાગળ પર રહેવા પામી છે. ત્યારે જિલ્લા પંચાયત સભ્યો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનને સાકાર કરવા કચરો ઉઠાવવામાં ઉપયોગી થાય તે આશયથી ટ્રેક્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને એક વર્ષ ઉપરાંતનો સમય થયો તેમજ આગામી સમયમાં જિલ્લા પંચાયતની મુદ્દત પૂર્ણ થાય છે. આમ છતાં ટ્રેક્ટરો પૂરા પાડવામાં આવ્યા નથી.

આવનારી ચૂંટણીમાં પ્રજાને શો જવાબ આપવાની ક્ષોભ જનક સ્થિતિમાં મુકાયા
જેથી ગ્રામ્ય વિસ્તારની પ્રજા રોજ બરોજ જિલ્લા પંચાયત સભ્યોને ટ્રેકટરોની ઉઘરાણી કરી રહ્યા છે.જેથી જિલ્લા પંચાયતના સભ્યો આવનારી ચૂંટણીમાં પ્રજાને શો જવાબ આપવાની ક્ષોભ જનક સ્થિતિમાં મુકાયા છે. ત્યારે જિલ્લા પંચાયતના સત્તાધીશો દ્વારા વહેલી તકે ટ્રેક્ટરો ફાળવવા માંગણી ઉઠવા પામી છે.

આગામી પખવાડિયાના દિવસમાં બાકીના તાલુકાઓમાં ટ્રેક્ટરની ફાળવણી થઈ જશે : જિલ્લા પંચાયત પ્રમુખ
જિલ્લા પંચાયત સભ્યો દ્વારા આયોજનમાં મુકેલ ટ્રેક્ટરોની હજુ સુધી ફાળવણી કરવામાં ન આવી હોવા અંગે જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલનો સંપર્ક કરતા તેઓએ ટ્રેક્ટરની ખરીદીની પ્રક્રિયા જેમ પોર્ટલ દ્વારા તેનું અમલીકરણ જે તે ટીડીઓએ કરવાનું હોય છે. ત્રણ તાલુકામાં ટ્રેકટરો આપી દેવાયા છે. ચૂંટણી તેમજ બદલીઓના કારણે ટ્રેકટરોની ખરીદીની પ્રક્રિયા ઘોંચમાં પડી હતી. બાકીના તાલુકાના ગામોમાં પંદરેક દિવસમાં ટ્રેક્ટરની ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તેમજ ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...