નડિયાદ ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અને બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સેમિનાર યોજાયો હતો. જેમાં મહિલા સુરક્ષા, જાતીગત ભેદભાવ, મહિલા સશક્તિકરણ,પોક્સો એક્ટ, રોજગાર વિષયક, કાયદાકીય, બેંક વિષયક માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.
સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજોયેલ સેમિનારમાં રાજ્ય અને અન્ય રાજ્યમાંથી તાલીમ મેળવતા 12 થી 18 વર્ષના બાળકો સાથે સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા બાળ સુરક્ષાના પ્રોબેશન ઓફિસર કિર્તીબેન જોશી બાળકોને પોક્સો એક્ટ બાબતે જણાવ્યું હતુ કે પોસ્કો એક્ટમાં 0 થી 18 વર્ષના તમામ બાળકોને જાતીય સતામણી સામે રક્ષણ અપાય છે. આ કાયદા અંતર્ગત પોલીસ સ્ટેશનમા ફરિયાદ થઇ શકે છે.
કાયદામાં શારિરીક અને માનસિક હેરાનગતિનો ઉલ્લેખ કરાયો છે. તથા સામાન્ય છેડતીથી લઇને સામૂહિક બળાત્કાર સુધીની ઘટનાઓ આવરી લેવામાં આવે છે. તથા સજાની જોગવાઇમાં 2 વર્ષથી લઇને આજીવન કારાવાસ અને 12 વર્ષથી નાની વયના બાળકો સાથે બળાત્કારની ઘટના માં ફાંસીની સજાની જોગવાઇ કરાઇ છે.
ઉપરાંત જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી હીનાબેન ચૌધરીએ મહિલા અને બાળ અધિકારોની જાણકારી આપતા જણાવ્યુ હતું કે વ્હાલી દીકરી યોજનામાં રૂ.2 લાખથી ઓછી આવક ધરાવતા માતાપિતાને સરકાર દ્વારા આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.
સખી વન સ્ટોર સેન્ટર દ્વારા પીડિત મહિલા કે કિશોરીને તાત્કાલિક તબીબ સારવાર, આશ્રય, કાયદાકીય માર્ગદર્શન તથા પોલીસ સહાય પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટરનો હેતુ લીંગભેદ, સ્ત્રી ભૃણ હત્યા, ઘરેલું હિંસા, અત્યાચાર અને સામાજિક અસમાનતા જેવા પ્રશ્નોમાં પીડિત મહિલાને પોતે નિર્ણય લેવા સક્ષમ બનાવાનો છે.
આ સેમીનારમાં 180 બાળકોએ વિવિધ વિષયોનું માર્ગદર્શન મેળવ્યું હતુ. તથા આ પ્રસંગે જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સુપ્રિટેન્ડન્ટ એચ.એન.ઠાકર તથા એડવોકેટ યોગીબેન બારોટ, જીલ્લા રોજગાર અધિકારી એન.આર.શુક્લા તથા હેત્તલબેન રોહિત, જિલ્લા લીડ બેન્કના પ્રકાશભાઇ પટેલિયા ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.