નડિયાદ નગરપાલિકા દ્વારા પ્રજા પાસેથી વસુલવામાં આવતા વિવિધ વેરામાં આગામી દિવસોમાં વધારો થઈ શકે છે. ગત સમાન્ય સભામાં આ માટે બહુમતી થી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો. નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડા નં.29 થી વેરા વધારાની દરખાસ્ત નો ઠરાવ મંજૂર કરાયો હતો. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે ઇન્ચાર્જ ટેક્ષ સુપ્રિટેન્ડન્ટ ના રિપોર્ટ મુજબ નગરપાલિકા દ્વારા નાગરિકો પાસેથી પાણીવેરો, ગટર વેરો, સફાઈ વેરો, દિવાબતી વેરો તેમજ વ્હીકલ ટેક્ષ વસુલવામાં આવે છે. જેમાં વધારો કરવા અંગે સરકારમાં દરખાસ્ત કરવાની થાય છે.
આ ઠરાવ બહુમતીથી મંજૂર થઈ જતાં આગામી દિવસોમાં નડિયાદ શહેરના 60 હજાર મિલકત ધારકોના માથે વધારાનો બોજ આવશે તે નક્કી છે. પરંતુ વોર્ડ નં.8 ના સભ્ય ગોકુલ શાહ દ્વારા આ બાબતે લેખિત વાંધો આપતા જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા શહેરીજનોને યોગ્ય સુવિધા પુરી પાડવામાં આવી રહી નથી. પ્રજા પ્રાથમિક સુવિધાથી વંચિત છે. જેથી પહેલા પ્રાથમિક સુવિધા આપવી જોઈએ. નગરપાલિકા દ્વારા કેટલો વધારો કરવાનું નક્કી કરાયું છે તનો પણ એજન્ડામાં ઉલ્લેખ નહીં કરાતા વિરોધ પક્ષે આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો.
નિયમ ભૂલાયો; નડિયાદ શહેરમાં છેલ્લા 6 વર્ષથી ચતુરભુજ આકારણી થઈ નથી
સરકારી નિયમ મુજબ દરેક નગરપાલિકામાં દર ચાર વર્ષે ચતુર્ભુજ આકારણી થતી હોય છે. જેના દ્વારા વેરામાં કેટલો વધારો કરવો તેનો વ્યાસ કાઢવામાં આવતો હોય છે, અને વિવિધ વેરામાં વધારો થતો હોય છે. પરંતુ નડિયાદ નગરપાલિકામાં છેલ્લા 6 વર્ષથી ચતૂરભુજ આકારણી નહીં થતા કોઈપણ પ્રકારના વેરામાં વધારો થયો ન હતો.
વેરામાં કેટલો વધારો કરવો તે બાબતે કમીટી નિર્ણય લેશે
વેરામાં વધારો કરવાનો છે તે નક્કી છે, પરંતુ કેટલો વધારો કરવો તે બાબતે આગામી દિવસોમાં ઈંચાર્જ ટેક્સ સુપ્રિટેન્ડન્ટ સાથે કમિટીના સભ્યોની મિટિંગ કરી જે નિર્ણય લેવાશે તેની દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવશે. જે બાદ સરકાર જે નિર્ણય આપસે તે મુજબ વધારો થશે. - રંજન વાઘેલા, પ્રમુખ, નડિયાદ ન.પા
હાલ પાલિકામાં કેટલો વેરો લેવાઈ રહ્યો છે
નડિયાદ પાલિકા દ્વારા સમગ્ર શહેરમાં દિવાબતી વેરો અને ખાસ સફાઈ વેરો રૂ.100-100 લેવાઈ રહ્યા છે. જ્યારે મિલકત વેરો દરેક મિલકતના ક્ષેત્રફળ મુજબ જુદો જુદો હોય છે. જેના ગુણાંકમાં વિસ્તારના પરિબળો આધાર રાખે છે. સ્લમ વિસ્તારમાં વેરો ઓછો જ્યારે કોર્મશીયલ મિલકતનો સૌથી વધુ હોય છે. જ્યારે શિક્ષણ ઉપકર પણ આજ રીતે નક્કી કરવામાં આવે છે.
પાલિકાએ પહેલા સ્પષ્ટ કરવું જોઈએ કે કઈ નવી સુવિધા મળશે
સમયની સાથે મોંઘવારી વધી રહી છે, ત્યારે પાલિકા પણ વેરો વધારે તેનો સ્વાભાવિક છે. પરંતુ વેરો વધારતા પહેલા પ્રજાને કઈ કઈ સુવિધા મળશે તે બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ. સરકાર વેરા વધારાને મંજુરી આપસે ત્યારબાદ પ્રજાએ તો મંજુર રાખવાનું જ છે. પરંતુ પાલિકાએ પણ પ્રજાને સ્પષ્ટતા કરવી જોઈએ.- અમિત સોની, ટેક્સ પ્રેક્ટિશનર્સ, નડિયાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.