યાત્રાધામ ડાકોરની ગોમતી તળાવમાં ચાલતા નૌકા વિહારનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવા પાલિકા પ્રમુખ દ્વારા ચીફ ઓફિસરને લેખિત હુકમ કરાયો છે. તા.2 માર્ચના રોજ પાલિકા પ્રમુખની ટર્મનો છેલ્લો દિવસ હતો, ત્યારે જતા જતા પ્રમુખ દ્વારા ચીફ ઓફિસરને આ પ્રકારનો હુકમ કરતા નગરપાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જયારે ચીફ અોફિસરે કહ્યું હતું કે, ઇજારા રદની વાત માત્ર અફવા છે. અગાઉ નૌકા વિહારને મામલે ઘણા વિવાદ સર્જાયા હતા. ત્યારે નૌકા વિહાર બંધ કરાવવા પ્રમુખે હુકમ ન કર્યો, હવે છેલ્લા સમયે આ પત્ર લખવાનું કારણ શું તે વિષય ડાકોરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
યાત્રાધામ ડાકોર ભક્તોની આસ્થાનું કેન્દ્ર હોય અહી વાર તહેવારે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. રણછોડરાયના દર્શન કરવા ઉપરાંત ગોમતી ઘાટ પર ફરવા અને નૌકા વિહાર કરવાનો પણ યાત્રિકોમાં અાકર્ષણ હોય છે. ત્યારે ગોમતી તળાવમાં ફેલાતી ગંદકી અને નગરપાલિકા સાથે કરેલ કરાર નામાનો ભંગ બદલ નૌકા વિહાર કોન્ટ્રાક્ટ રદ કરો તેવો હુકમ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે.
ચીફ ઓફિસરને લખેલ પત્રમાં તેઓએ ઉલ્લેખ કર્યો છેકે કોન્ટ્રાક્ટર દ્વારા ફક્ત આવક રળવા માટે ગોમતી તળાવનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈજારાના કરારનામાની શરતોનું પાલન કરવામાં આવતું નથી. જેના કારણે તળાવમાં ગંદકી ફેલાઈ છે. જેથી કરારનામાની શરત નં.7 ના ભંગ બદલ કોન્ટ્રાક્ટ રદ કરો.
કરારથી પરવાનો આપ્યો છે
કોન્ટ્રાક્ટ કરારથી પરવાનો આપ્યો છે, એકદમ કેવી રીતે રદ કરવો. હાલ તો હુ હોળી-પૂનમની તૈયારીમાં વ્યસ્ત છું. પ્રમુખે પત્ર લખ્યો હશે જે હું જોઈ લઈશ. - સંજય પટેલ, ચીફ ઓફિસર
અમે ચીફ ઓફિસરને લેખિત હુકમ કર્યો છે, હવે તેઓ કાર્યવાહી કરે
અમારા ધ્યાન પર આવ્યું હતુ કે કોન્ટ્રાક્ટર ફક્ત આવક રળવા માટે ગોમતીનો ઉપયોગ કરે છે. તેણે કરારનામાની શરતોનો ભંગ કર્યો હતો. જેથી ગુરુવારે અમારી ટર્મનો છેલ્લો દિવસ હોઈ અમે બપોરે જ પત્ર લખી ચીફ ઓફિસરને હુકમ કર્યો છે. અમે આર.સી.એમ, જિલ્લા કલેકટરને આ બાબતે જાણ કરી છે. - મયુરીકાબેન પટેલ, પ્રમુખ, ડાકોર
કોન્ટ્રાક્ટ બંધ થાય તે જરૂરી છે, તમામ નીતિ નિયમો નેવે મુકાયા
આ કોન્ટ્રાક્ટ બંધ થવો જ જોઈએ. કોઈ જાતનું સ્થળ પર પ્રોટેક્શન નથી. કેટલા માણસોને બોટમાં બેસાડવા તેની સામે કેટલા માણસો બોટમાં ભરે છે, કોઈ નિયમોનું પાલન થતુ નથી. જુની બોટનો ઉપયોગ કરે છે. તેમની પાસે યોગ્ય ટ્રેનિંગ વાળા તરવૈયા પણ નથી. ત્યારે યાત્રીઓના ભલા માટે આવા કોન્ટ્રાક્ટ બંધ થવા જરૂરી છે. - હરેન્દ્ર પંડ્યા, સામાજીક આગેવાન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.