ખેડા એલસીબી પોલીસ ઉત્તરાયણ નજીક આવતા જિલ્લામાં મોટા પ્રમાણમાં દારૂ આવવાનો હોવાની શક્યતાને લઇ રાત્રે પેટ્રોલિંગમાં લાગી છે. આ દરમિયાન એલસીબી પોલીસ માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં દારૂ કટીંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 3.78 લાખ રૂપિયાના દારૂ સાથે એક વ્યક્તિને તેમજ વાહન અને અન્ય મુદ્દામાલ મળી કુલ 14 લાખ 16 હજાર 440 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે હરિયાણાના એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કેટલાય આરોપીઓ ફરાર થયા છે. બૂટલેગરોએ વિદેશી દારૂની હેરાફેરી આસાન કરવા ટાટા ટર્બો ગાડીને મોડીફાઈ કરી બોર બનાવવાની રીંગ તથા ડિઝલ મશીનનો ઉપયોગ કરતા હતા.
દરોડો પાડતા નાસભાગ
ખેડા એલસીબી પોલીસ માતર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માહિતી મળી હતી કે માતર નજીક મોતીપુરા, જાડા વિસ્તાર સીમ ખાતે કેટલાક લોકો ભેગા મળી વિદેશી દારૂ લાવી કટીંગ કરવાના છે. જેથી પોલીસે તપાસ કર્યા બાદ દરોડો પાડતા નાશ ભાગ મચી હતી. પોલીસે વરૂણ સોમબીર રઘુવીર લોંચબ (જાટ) (રહે.પનીયા તા.બાદલી જા.ઝાર, હરિયાણા)ને પકડી પાડયો હતો. જ્યારે 8 લોકો ફરાર થયા હતા.
કુલ રૂપિયા 14 લાખ 16 હજાર 440નો મુદ્દામાલ જપ્ત કર્યો
પકડાયેલા આરોપીની ટાટા ટર્બો ગાડી કબજે કરી હતી. જોકે તેનો ઓરિજનલ રજિસ્ટ્રેશન નંબર H-39-E-6555 છે પરંતુ બૂટલેગરોએ આ નંબર પ્લેટ બદલીને નકલી નંબર લગાવી દીધો હતો. તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 2040 કિંમત રૂપિયા 3 લાખ 78 હજારની મળી આવી હતી. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી એક મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા કબ્જે કર્યા હતા. આ ઉપરાંત ટર્બો ટ્રક જેની કીંમત રૂપિયા 10 લાખ તથા ડીઝલ મશીન રૂપિયા 10 હજાર અને પ્લાસ્ટિકની પાઈપ નંગ-10 મળી કુલ રૂપિયા 14 લાખ 16 હજાર 440નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે આ ભાગી છૂટેલા બુટલેગરો સામે તપાસ હાથ ધરી
પોલીસની તપાસમા ભાગી છુટેલા 8 લોકોના નામ પણ સામે આવ્યા છે. જેમાં દારૂનો જથ્થો મોકલી આપનાર અનીલકુમાર દહીંયા (રહે.રોહના, તા.ખરખોદા જી.સોનીપત, હરિયાણા), ગાડીનો ચાલક અમીતકુમાર ઉર્ફે કાલા સાઓ અશોકકુમાર દહીયા (રહે.ખુરમપુર તા.ખરખોદા જાસોનીપત,હરિયાણા), દારૂ મંગાવી કંટીગ કરાવનાર અમદાવાદનો બુટલેગર મહાવિરસિંગ નરપતસિંગ ભાટી (રહે.લાંભા, અમદાવાદ મૂળ રહે.રાજસ્થાન), જોગાસિંગ નરપતસિંગ રાઠોડ (રહે.શાંતિનગર, નારોલ, અમદાવાદ શહેર મૂળ રહે.બાડમેર,રાજસ્થાન), મહેશ ઉર્ફે ભુરીયો રણજીતભાઇ જયસ્વાલ, મુકેશભાઇ ઉર્ફે ભુરીયો મગનભાઇ ડાભી, દિલીપભાઇ ઉર્ફે દિપો મણીભાઇ તળપદનો સમાવેશ થાય છે. પોલીસે આ ભાગી છૂટેલા બુટલેગરો સામે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.