નડિયાદ શહેરમાં ગઈકાલે સરાજાહેર ફાયરિંગ કરી પત્નીની હત્યા નિપજાવનાર પતિને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. પત્ની સાથે મિલ્કત અને ભરણપોષણના ચાલી રહેલા કેસને લઈ પતિએ હત્યાને અંજામ આપ્યાનો ખુલાસો થયો છે. આરોપી પતિએ ચાર મહિના પહેલા જ પત્ની સાથે ઝઘડો થયા બાદ પત્નીને ધમકી આપતા કહ્યું હતું કે, 'મારી વાત નહીં માને તો હું તને મારી નાખીશ'. પતિએ જે રીતે ચાર મહિના પહેલા ધમકી આપી હતી તે રીતે જ. ગઈકાલે રસ્તે જઈ રહેલી પત્નીને આંતરી ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી હતી. આરોપીને રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
ભૂતકાળમાં પત્નીએ પતિ સામે મારામારીની ફરિયાદ નોંધાવી હતી
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા નિમિષાબેને વર્ષ 2000ની સાલમાં પૂર્વ પતિ સાથે છુટાછેડા મેળવી તે જ વર્ષે વસો ખાતે રહેતા રસીકભાઇ જેઠાભાઈ પરમાર સાથે ઘરસંસાર માંડ્યો હતો.રસીકભાઇના પણ બીજા લગ્ન હતા. નિમિષાબેન વર્ષ 2015મા ઈઝરાયેલ ગયા હતા. અઢી વર્ષ પછી તેઓ પરત આવ્યા હતા. આ બાદ છેલ્લા 5 વર્ષથી નિમિષાબેન અને તેના પતિ રસિકભાઈ વચ્ચે રસીકભાઇના પહેલા પત્નીના બાળકો નીમીષાબેનની ઘરે આવતાં જતાં હોય તેમજ નીમીષાબેનના નામે રહેલી મિલકત બાબતે વારંવાર બંન્ને વચ્ચે ઝઘડાઓ થતાં અને આ સમયે રસીકભાઈ નિમિષાબેન સાથે મારામારી પણ કરતા હતા. આ બાબતે ભૂતકાળમાં પતિ વિરુદ્ધ નિમિષાબેને મારામારીની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં આપી હતી. તેમજ રસિકભાઈ વિરુદ્ધ ખાધા ખોરાકીનો કેસ કરેલ હતો જે હાલ કોર્ટમાં ચાલે છે.
'મારી પ્રથમ પત્નીને તો પાઈપથી મારી હતી, તને હું ગોળી જ મારીશ'
આશરે આઠેક મહિના પહેલાજ રસિકભાઈએ નિમિષાબેન સાથે નિમિષાબેનના નામે રહેલી મિલકતો તેના નામે કરી આપવા બાબતે ઝઘડો કર્યો હતો અને નિમિષાબેને આમ કરવાની ના પાડી દેતા મામલો ઉગ્ર બન્યો હતો. રસીકભાઇએ તે સમયે કહ્યું કે મારી વિરુદ્ધ થયેલા કેસો જો તુ પાછાં નહીં ખેંચેતો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બાદ ગયા ચારેક માસ પહેલા જ આ રસિકભાઈએ નિમિષાબેન સાથે ઉપરોક્ત બાબતે ફરી ખાર રાખી ઝઘડો કર્યો હતો અને નિમીષાબેનને ધમકી આપતા કહ્યું હતું કે, મેં મારી પૂરી તૈયારી કરી લીધી છે, જો તું મારી વાત નહીં માને તો તને ગોળી મારીને મારી નાખીશ. મેં મારી પહેલી વહુને તો પાઇપથી મારી હતી એટલે એ બચી ગઈ હતી પણ તને તો હું ગોળી જ મારીશ તેવી ધમકી રસીકભાઇએ પોતાની પત્નીને આપી હતી.
હત્યા માટે દેશી તમંચાનો ઉપયોગ કર્યો
ગતરોજ ખાધાખોરાકીના કેસમાં નડિયાદ કોર્ટમાં મુદત હતી અને તે પતાવી નિમીષાબેન પોતાના ઘરે આવતાં હતાં. ત્યારે સોસાયટીના રસ્તા પરજ રસીકભાઈએ પોતાના પાસે રહેલા દેશી તમંચા વડે ફાયરિંગ કરી નિમિષાબેનને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બાદ હત્યારો રસીક સીધો શહેરના સરદાર ભવન કચેરીએ પહોંચ્યો જ્યા પાર્કીગમાથી નડિયાદ ટાઉન પોલીસે હત્યારાને દબોચી લીધો હતો. પોલીસની તપાસમાં હત્યારાએ જણાવ્યું હતું કે, પત્નીનુ ચાલ ચલગત સારા ન હતા અને મિલકત તેમજ અન્ય બાબતે તકરાર થતાં ખાધાખોરાકીનો કોર્ટ કેસ હતો અને આ બધાથી કંટાળી પત્નીને ગોળી ધરબી હત્યા કરી છે. જોકે આ પ્રકરણમાં ગેરકાનૂની હથિયાર જે દેશી તમંચો છે તે ક્યાંથી લાવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
હત્યારાના એક દિવસના રિમાન્ડ મંજૂર
નડિયાદ પશ્ચિમના પીઆઇએ જણાવ્યું હતું કે, પત્નીની હત્યામાં પકડાયેલા આરોપીને આજે કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુનામાં વપરાયેલો દેશી તમંચો ક્યાંથી લાવ્યો અને અગાઉ આ તમંચાનો તેણે કોઈ ગુનાકીય પ્રવૃતિમાં ઉપયોગ કર્યો છે કે કેમ તેને તપાસ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.