ખેડા જિલ્લામાં બેરોકટોક ચાલતા દારૂ જુગારની ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા જિલ્લા પોલીસ અસમર્થ રહી છે. તાજેતરમાં થોડા દિવસ પહેલા ટુડેલ દારૂ પ્રકરણમાં પોલીસની સાંઠગાંઠનો મામલાએ હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિએ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતી દારૂ - જુગારની ગુન્હાહિત પ્રવૃત્તિઓ મામલે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. અને આ મામલે તુરંત એક્શન લેવા આદેશ અપાય તેવી માંગ કરી છે.
અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં બુટલેગરોને પોલીસ ખાતું છાવરતું હોવાના આક્ષેપો
શનીવારે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે,તાજેતરમાં ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ટુંડેલ ગામમાં હરખા તળાવ પાસે બંધ પડેલ પોલ્ટ્રી ફાર્મમાં ખૂબ જ મોટાપાયે દારુનું કટિંગ કૌભાંડ ઝડપાયું હતું. પોલીસને અહીયા બહુ મોટી સફળતા મળી હતી. પરંતુ ખાટલે મોટી ખોડ હોય તેમ આવી અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં બુટલેગરોને પોલીસ ખાતું છાવરતું હોઇ, દરોડાના સ્થળે અન્ય એક પોલીસ કર્મચારી તાબડતોડ ગાડી લઇને આવી પહોંચ્યો અને દરોડો પાડનાર પોલીસ કર્મચારીઓને તમે અહીં રેડ કેમ પાડી? એમ કહીને માથાકુટ કરવાનું જાણવા મળ્યું હતું. અને આ ગિરીશ પ્રજાપતિ નામના બુટલેગરને ઘટના સ્થળેથી ભગાડી મુકવામાં આવ્યો હતો.
પોલીસ સ્ટેશનના અધિકારીને આજદિન સુધી જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી
જેને પોલીસ ચોપડે ગઇકાલ સુધી ફરાર બતાવવામાં આવી રહ્યો હતો. પરંતુ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ પોલીસ ખાતાની બુટલેગરો સાથેની સાંઠ - ગાંઠ ખુલ્લી પાડવા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું એ વાતની આ ગંભીર બનાવ સાથે સંકળાયેલા અને સંડોવાયેલા પોલીસ કર્મચારી,અધિકારીઓના કાને પહોંચતા તેઓએ પોતાની આબરૂ બચાવવા બુટલેગર આરોપીને પકડી પાડ્યો છે. જિલ્લા પોલીસ અને બુટલેગરો વચ્ચે બહુ મોટી સાંઠગાંઠ છે એવી અમારી માન્યતાને બળ એટલા માટે મળે છે કે, આટલી મોટી માત્રામાં દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હોવા છતા જે તે પોલીસ સ્ટેશનના અધિકારીને આજદિન સુધી જવાબદાર ઠેરવવામાં આવ્યા નથી. પણ છાવરવામાં આવી રહ્યા છે અને એટલે ખેડા જિલ્લા પોલીસની બુટલેગરો સાથેની સાંઠ - ગાંઠના લીધે દારૂ - જુગાર જેવી અસામાજિક અને ગુન્હાહિત પ્રવૃત્તિઓને ડામવામાં, ખેડા જિલ્લા પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે.
આવી પ્રવૃત્તિને સખ્ત ડામી દેવા માંગણી કરાઈ
આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરાવવા તથા બુટલેગરને છાવરવામાં જે કોઇ પોલીસ અધિકારી સંડોવાયેલા હોય તેમની સામે ખાતાકીય રાહે શિસ્તભંગના પગલાં ભરવા આ આવેદનપત્રના માધ્યમથી અમે માંગણી કરીએ છીએ અને સાથોસાથ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતી આ અને આવી અનેક અસામાજિક પ્રવૃત્તિઓના રવાડે ચડતા ગરીબ અને પછાત તથા શ્રમજીવી અને મધ્યમ વર્ગના લોકો, ખાસ કરીને બેરોજગાર યુવાનો ભોગ બની રહ્યા છે. પોતાનું માનવ જીવન બરબાદ કરી રહ્યા છે અને સાથોસાથ ઘર - પરિવારને પણ બરબાદ કરી રહ્યા છે. તેથી, ખેડા જિલ્લા કોંગ્રેસ તથા નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ ચિંતાની લાગણી છે. અને આવી પ્રવૃત્તિને સખ્ત ડામી દેવા માંગણી કરાઈ છે.
આગામી દિવસોમાં જનતા રેડનુ આયોજન થશે
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં, તાલુકે - તાલુકે અને ગામે ગામ જશે તો પોલીસની રહેમ હેઠળ છડેચોક દારૂ - જુગારની બદી ફૂલી - ફાલી છે તેને ડામવામાં પોલીસ અસમર્થ છે. આગામી દિવસોમાં નડિયાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં જ્યાં જ્યાં દારૂ - જુગારના અડ્ડાઓ ચાલે છે ત્યાં - ત્યાં જિલ્લા મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ અને NSUI તથા સેવાદળ તથા કોંગ્રેસ પક્ષના વિવિધ સંગઠનોને સાથે રાખીને જનતા રેડ પાડવામાં આવશે અને ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે તે વાત સમગ્ર દેશમાં ખુલ્લી પાડવામાં આવશે તેમ આ આવેદનપત્રમાં જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.