પોષી પૂનમની ઉજવણી:યાત્રાધામ ડાકોર અને વડતાલમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, પૂનમ ભરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે પોષ સુદ પૂનમ હોવાથી આ પૂનમનું ખૂબજ ધાર્મિક મહત્વ હોય છે. ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર અને સ્વામિનારાયણ સંપ્રદાયની પવિત્ર ભૂમિ વડતાલમાં આ પૂનમ ભરવા રાજ્યના ખુણે ખુણેથી ભક્તો આવતાં મંદિર પરિસરમાં ભક્તિનો સેલાબ જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

અમૂલ્ય આભૂષણો પહેરી ભગવાન રાજા રણછોડજી દૈદીપ્યમાન થયા
સુપ્રસિદ્ધ યાત્રાધામ રણછોડજી મંદિરમા પોષી પૂનમને ધનુમાષની પુનમ પણ કહેવાય છે. સવારે 5 કલાકે દર્શન ખુલી મંગળા આરતી થઈ નિત્ય ક્રમ પ્રમાણે ભોગ ધારાવી રાજાધિરાજએ ભાવિક્ભકતોને દર્શન આપ્યા છે. પૂનમના દિવસે વિશેષ શ્રૃંગાર અમૂલ્ય આભૂષણો પહેરી ભગવાન રાજા રણછોડજી દૈદીપ્યમાન થાય છે. તો આ તરફ પૂનમે મોટી સંખ્યામાં ભક્તો અહીયા આવતાં મંદિર પરિસર 'જય રણછોડ'ના ગગનભેદી નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતું. ભક્તોનું ઘોડાપૂર ઉમટતાં મંદિર પ્રશાસન દ્વારા દર્શનાર્થીઓને વ્યવસ્થિત દર્શન થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવી હતી.

વડતાલમાં પણ હરિભક્તો ઉમટ્યા
આ તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર ભૂમિ ગણાતા વડતાલમાં પણ આચાર્ય દેવોના દર્શન અર્થે ઠેકઠેકાણેથી ભક્તો આજે પૂનમ ભરવા વડતાલ આવી પહોંચ્યા હતા. હજારો હરિભક્તોએ આજે શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે. ખાસ સૌથી વધુ સૌરાષ્ટ્રથી દર્શનાર્થીઓ અહીયા આવી રહ્યા છે. મંદિર પરિસરમાં ભક્તોનો પ્રવાહ આજે દિવસ દરમિયાન રહેશે.

અન્ય સમાચારો પણ છે...