ભાસ્કર એક્સક્લુઝિવ:ચિલ્ડ્રન હોમની જમીનમાં 10 દુકાનો બાંધી ભાડે ચઢાવવાની પેરવી

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળ બાદ ચિલ્ડ્રન હોમમાં એક પણ બાળક નથી, નિભાવણી ખર્ચના નામે નવું તૂત

નડિયાદમાં આવેલ ચિલ્ડ્રન હોમના સંચાલકો દ્વારા સરકારી જમીન પર દુકાનો બનાવી બારોબાર ભાડે ચઢાવી દીધી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ચિલ્ડ્રન હોમ ચલાવવા માટે સરકાર નિભાવણી ખર્ચ નહીં આપતી હોવાથી નિભાવણી ખર્ચ ઉભો કરવાના બહાને 10 દુકાનો બનાવી મળતિયાઓને ભાડે આપી દેવાનીપરવી હાથ ધરાઇ છે.

સરકારી જમીન પર ઉભી કરાયેલી આ દુકાનોને કારણે હવે વિવાદ
નડિયાદમાં જવાહર નગર રોડ પર ચિલ્ડ્રન હોમ આવેલ છે. એક સમયે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને અહીં રાખવામાં આવતા હતા. પરંતુ કોરોના કાળ દરમિયાન સરકારે બાળકોનો કબજો જેતે માતા-પિતાને સોંપી દેતા આજે ચિલ્ડ્રન હોમ ખાલી છે.ચિલ્ડ્રન હોમમાં બાળકો ન હોઈ સરકારે નિભાવણી ખર્ચ આપવાનો બંધ કરી દેતા સંચાલકોએ નિભાવણી ખર્ચ કાઢવાના બહાને બહારની સરકારી જમીન પર 10 જેટલી નવી દુકાનો બનાવી ભાડે ચઢાવવાની ગોઠવણ કરી દીધી છે. પરંતુ સરકારી જમીન પર ઉભી કરાયેલી આ દુકાનોને કારણે હવે વિવાદ શરૂ થયો છે. દુકાનો બનાવવા માટે નગરપાલિકા માંથી મંજૂરી લેવામાં આવી નથી તેવા આક્ષેપો ઉઠ્યા છે.

લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ કરવા માગ કરાઈ
દુકાનો બનાવવામાં ભ્રષ્ટાચાર કરાયાના અમારી પાસે પુરાવા છે. COની રહેમ નજર હેઠળ આ દુકાનો બની છે. જેી ચીફ ઓફિસર અને તત્કાલીન પ્લાનીંગ કમિટીના ચેરમેન કે જેમના સમયમાં આ કામ થયું છે, તેમની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાવા માંગ છે. - ચિરાગ બ્રહ્મભટ્ટ, મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ

દુકાનો ભાડે આપી મળતી આવકથી નિભાવણી ખર્ચ કાઢવા આયોજન
કોરોનામાં બાળકો પોતાના ઘરે જતા રહ્યા હોઈ, સરકારે નિભાવણી ખર્ચ આપવાનું બંધ કરી દીધુ હતુ. જેથી અમે ચેરીટી કમિશનરમાં રજૂઆત કરી 35 માસના ભાડા કરાર થી જગ્યા આપી છે. તે ભાડું સંસ્થાના નિભાવણી ખર્ચ માટે વપરાસે. ભાડાની રકમ સીધી ટ્રસ્ટ ના એકાઉન્ટમાં જમા થવાની છે. - કે.ડી.પરમાર, સેક્રેટરી, ચિલ્ડ્રન હોમ

મને તો આ બાબતે કંઈ ખબર જ નથી
ચિલ્ડ્રન હોમ સામાન્ય રીતે સરકારી જગ્યામાં હોય છે. જેના અધ્યક્ષ કલેક્ટર હોય છે. તેમના લેવલે થી કામગીરી થતી હોય અમારે કોઈ મંજુરી આપવાની રહેતી નથી. આ દુકાનો માટે કોઈ મંજુરી લેવાઈ છે કે કેમ તે અંગે મને કઈ જ ખબર નથી. - રૂદ્રેસ હુદળ, ચીફ ઓફિસર, નગરપાલિકા, નડિયાદ

અમે પાલિકા પાસે અહેવાલ મગાવ્યો છે
ચિલ્ડ્રન હોમ માટેની સરકારી જમીનમાં દુકાનો બનાવી બાબતે અમને જાણ થતા નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે સંપૂર્ણ અહેવાલ મંગાવ્યો છે. અહેવાલનો અભ્યાસ કર્યા બાદ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.- બી.એસ.પટેલ, અધિક કલેક્ટર, ખેડા

અન્ય સમાચારો પણ છે...