નડિયાદ પાસેના ગુતાલ ગામની સીમમાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે નંબર- 48 પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહને રોડ ક્રોસ કરતા રાહદારીને ટક્કર મારી છે. આ ઘટનામાં રાહદારીનું મોત નિપજ્યું છે. આ સમગ્ર બનાવ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોધાઈ છે.
ગુતાલ ગામ નજીક હાઈવે પર ઘટના બની
નડિયાદ તાલુકાના ગુતાલ ગામની સીમમાં પસાર થતાં નેશનલ હાઇવે નંબર- 48 નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મેનેજરના કારનો ડ્રાઇવર અમીત રામકુમાર પટેલ કાર લઈને હાઈવે પર આવ્યા હતા. કાર હાઈવેની સાઈડમાં પાર્ક કરી અમીત સામે રોડ ક્રોસ કરતા હતા. આ દરમિયાન અમદાવાદ તરફથી આવતાં કોઈ અજાણ્યા વાહને અમીતભાઈને ટક્કર મારી હતી અને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.
વાહનની જોરદાર ટક્કરથી રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારી ફંગોળાયો
કારની ટક્કર વાગતાં અમીતભાઈ ફંગોળાઈ ગયા અને રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેઓનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આસપાસના લોકોએ તુરંત 108ને જાણ કરી હતી અને 108ની ટીમે સ્થળ પર પહોંચી તપાસતા અમીતભાઈ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે બુલેટ ટ્રેનના સિક્યુરિટી ગાર્ડ રમણ ચુનીલાલ વસાવાની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.