ઠાસરા તાલુકાના માસરા ગામમાં છેલ્લા ઘણા દિવસથી ભેદી રોગચાળો ફાટી નીકળ્યો છે. ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. આમ છતાં આરોગ્યતંત્રને ગામની મુલાકાત લેવાની ફુરસદ ન મળતાં ગ્રામજનોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે. ઠાસરા તાલુકાના છેવાડે આવેલું માસરા ગામ આશરે 5 હજારની વસ્તી ધરાવે છે. માસરા ગામમાં છેલ્લા પંદરેક દિવસથી બીમારીના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ગામમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. લોકો તાવ, સ્નાયુના દુખાવાથી પીડાઈ રહ્યા છે તેમજ ચિકનગુનીયા જેવી ભેદી બીમારીથી પીડાતા લોકો ફફડી ઉઠયાં છે. ગામમાં બીમાર દર્દીઓને સારવાર ન મળતાં નાછૂટકે લોકો ઉમરેઠ ખાનગી દવાખાનામાં મોંઘી સારવાર લઈ રહ્યા છે.
દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યાની ચર્ચા
આ ગામનો ચેતરસુબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સમાવેશ થયો છે. આ ગામથી ડાકોર થઈ ચેતરસુંબા પી. એચ.સી. કેન્દ્ર 20 કિ.મી ના અંતરે આવેલું હોય ગ્રામજનોને આરોગ્ય સારવાર કરાવવા જવાનું પરવડતું નથી. છેલ્લા ઘણા દિવસોથી માસરામાં મોટી સંખ્યામાં લોકો ભેદી બીમારીથી પીડાઈ રહ્યા છે. આમ છતાં આરોગ્ય તંત્ર દ્વારા ગામના દર્દીઓની મુલાકાત લેવામાં આવી નથી. નાનકડા ગામમાં અપાતાં પીવાનું પાણીનું નિયમિત ક્લોરીનેશન ન થતાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યાનું ગ્રામજનોમાં ચર્ચાઇ રહ્યું છે.
રોગ અટકાયતી પગલાં લેવા ગ્રામજનોની માગ
સરકાર દ્વારા સફાઈ તેમજ આરોગ્ય સેવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ગામમાં સાફ-સફાઈ ના બદલે ગંદકી કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. પીએસસીના આરોગ્ય કર્મચારી કે ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા ભેદી રોગચાળા ડામવા ભારે ઉદાસીનતા દાખવવામાં આવતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ બાબતે ઠાસરા તાલુકા હેલ્થ અધિકારીનો સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું. ત્યારે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા માસરા ગામમાં રોગચાળાને વકરતો અટકાવવા યુદ્ધના ધોરણે રોગ અટકાયતી પગલાં લેવા ગ્રામજનોમાંથી સુર ઊઠ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.