તપાસ:ચિલ્ડ્રન હોમની જગામાં બનેલી 10 દુકાનના વિવાદમાં શરતભંગની કાર્યવાહીનો આદેશ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નડિયાદના જવાહર નગર રોડ પર બનેલી વિવાદીત 10 દુકાનોની તસવીર - Divya Bhaskar
નડિયાદના જવાહર નગર રોડ પર બનેલી વિવાદીત 10 દુકાનોની તસવીર
  • નિભાવણી ખર્ચના બહાને સરકારી જમીન પર ગેરકાયદે દુકાનો અંગે ખેડા કલેકટર દ્વારા અધિક કલેકટરને તપાસ સોંપાઇ

નડિયાદ શહેરના જવાહરનગર રોડ પર ચિલ્ડ્રન હોમની જમીનમાં જિલ્લા બાળ સંરક્ષણ મંડળ દ્વારા 10 દુકાનો બનાવી તેનું ગેરકાયદેસર વેચાણ શરૂ કરી દીધું હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પણ તંત્ર દ્વારા ઠોસ કાર્યવાહી થઈ રહી નથી. અા અંગે હોબાળો મચ્યા બાદ જાગૃત નાગરીકો દ્વારા લેખિત રજુઆતો બાદ પણ તંત્ર હાથ પર હાથ ધરી બેસી રહ્યું છે. જે બાબતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા હવે સરકારી જમીન ટ્રસ્ટને આપ્યા બાદ શરત ભંગ થાય છે કે કેમ તેની તપાસ કરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

મહત્વની વાત છે કે શહેરમાં કાર્યરત જિલ્લા બાળ સંરક્ષણ મંડળને ચિલ્ડ્રન હોમ બનાવવા માટે સરકાર દ્વારા વર્ષો અગાઉ સર્વે નં.3630 ની જમીન ફાળવવામાં આવી હતી. પરંતુ કેટલાક ભેજાબાજો દ્વારા કોરોના કાળની સ્થિતિનો લાભ લઈ ચિલ્ડ્રન હોમના નિભાવણી ખર્ચના બહાને રોડ ટચ જમીન પર ગેરકાયદેસર રીતે 10 દુકાનો બનાવી તેનો વેપલો શરૂ કરી દેવાયો હતો. એટલું જ નહીં, કોઈપણ પ્રકારના ડર વગર દુકાનો બનાવનાર કોન્ટ્રાક્ટર બાબુ ચિમનાની દ્વારા રૂ.22 લાખમાં એક દુકાનનું વેચાણ શરૂ કરી દેવાયું હતું.

જેના બદલામાં દસ્તાવેજના બદલે ખરીદદાર અને મંડળ વચ્ચે દર મહિને રૂ.1 હજારનું ભાડુ ભરવાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવતો હોવાની હકીકત સ્પષ્ટ થઈ હતી. સમગ્ર મામલે જાગૃતજનો દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરતાં છેવટે જિલ્લા કલેક્ટર દ્વારા અધિક કલેકટને સૂચના આપી સરકારી જમીન મંડળને આપવાનો હેતુ કે શરત ભંગની તપાસ કરી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

કોઇ પણ મંજૂરી વિના જ દુકાનો બંધાઈ હતી ઃ રિપોર્ટ
જવાહર નગર રોડ પર બનેલી આ દુકાનો માટે પાલિકા દ્વારા પરવાનગી નથી અપાઈ તે બાબત મામલતદારને આપેલા જવાબમાં સ્પષ્ટ થઈ છે. ત્યારે જવાહર નગર માં સમાજ ના આગેવાન તરીકે જવાબદારી નિભાવતા બાબુભાઈ દ્વારા ગેરકાયદેસર દુકાનો બનાવી તેનું વેચાણ કરાતુ હતું.

પાલિકાએ બાંધકામ દૂર કરવા નોટિસ આપી સંતોષ માન્યો
સમગ્ર કૌભાંડ બહાર આવતા નડિયાદ શહેર મામલતદાર દ્વારા નગરપાલિકા પાસે ગે.કા. બાંધકામ બાબતે જવાબ માંગવામાં આવ્યો હતો. જેના જવાબમાં નગરપાલિકાએ તા.17 નવેમ્બર 2022 ના રોજ પત્રથી જણાવ્યું હતુ કે સર્વે નં.3630 માં કુલ 11 દુકાનોના વિકાસ પરવાનગી અન્વયે જિલ્લા બાળ સંરક્ષણ મંડળ દ્વારા 2021 માં અરજી કરી હતી.

જેના અનુસંધાને નગરપાલિકાએ જણાવ્યું હતું કે આ ઓનલાઇન ડેવલોપમેન્ટ પરમીશન સીસ્ટમ છે, જેથી ઓનલાઈન અરજી કરવી. તેમજ હયાત સ્થળે કરેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરવું. પરંતુ ત્યારબાદ સચોટ કાર્યવાહી કરવામાં પાલિકા સત્તાધિસો અને વહીવટી તંત્ર જાણે કે હાથ પર હાથ રાખી બેસી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...