ગેરકાયદે ખોદકામ:સરપંચે ગૌચર જમીન માલધારીને ખોદવા માટે આપતાં પંચાયત સભ્યોનો જ વિરોધ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગેરકાયદે ખોદકામ સામે સાપલાના રહિશો આક્રમક મૂડમાં. - Divya Bhaskar
ગેરકાયદે ખોદકામ સામે સાપલાના રહિશો આક્રમક મૂડમાં.
  • મહુધાના સાપલામાં વાડ જ ચીભડા ગળતી હોય તેવો ઘાટ
  • સભ્યોની જિલ્લા કલેક્ટરને આવેદન આપી કાર્યવાહીની માગ

મહુધા તાલુકાના સાંપલા ગામે સરપંચ અને તલાટીની મિલીભગતથી ગૌચરની જમીનમાંથી માટી ખોદી નખાઇ હોવાની રજૂઆત જિલ્લા કલેકટરને કરવામાં આવી છે. ખુદ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી દીન 10 માં ફોજદારી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. જો યોગ્ય કાર્યવાહી નહી થાય તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આવેદનપત્રમાં ટાંકવામાં આવ્યું છેકે ગામના સરપંચ ગૌતમભાઈ ચૌહાણ અને તલાટી દ્વારા એકબીજાના મેળાપીપણામાં ગામને નુકસાન થાય તે રીતે ઠરાવ કર્યા સિવાય સુજલામ સુફલામ યોજના હેઠળ ગામના 3 તળાવો માટી કાઠ‌ા માટે મનુભાઇ અને કિરણભાઈ ભરવાડને આપી દીધા છે. આટુલ ઓછુ હોય તેમ તાલુકા ભાજપ સંગઠનમાં જવાબદારી સંભાળતા સરપંચે ગામના મુંગા પશુઓ માટે ફાળવવામાં આવેલ ગૌચરની જમીન પણ કોઈને પૂછ્યા વગર નડીયાના માથાભારે ભૂમાફિયાઓને વેચી દીધી હોવાનો આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે.

સમગ્ર મામલે અનેકવાર રજૂઆતો કરવા છતાં ભાજપ સાથે જોડાયેલા સરપંચ વિરૂધ્ધ કાર્યવાહી થઈ રહી નથી. મંગળવારે બપોરે આવેદનપત્ર આપવાના સમયે પણ સ્થળ પર ખોદકામ ચાલુ હોવાનું પંચાયત સભ્યોએ જણાવ્યું હતું. પંચાયત સભ્યો દ્વારા આ મામલે વિરોધ કરવા છતાં સરપંચ કે ઉચ્ચ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહી થતા ના છુટકે દિન 10માં ફોજદારી કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ફક્ત નોટિસ આપી કામગીરી કર્યાંનો તંત્ર દાવો કરે છે તેવો ગ્રામજનોનો રોષ
ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સંગ્રહનો પ્રશ્ન હલ થાય તે માટે સરકાર સુજલામ સુફલામ યોજના લાવી છે. પરંતુ યોજના હેઠળ કેટલાક ભૂમાફિયાઓ ગેરકાયદે ખોદકામ કરી નાણાં ઉલેચી રહ્યાં છે. જે બાબતે ભુસ્તર વિભાગમાં અનેક ફરિયાદો કરવા છતાં કામગીરીના નામે ફક્ત નોટિસ અપાઈ રહી છે. તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

ટીડીઓ, મામલતદાર, ખાણ ખનીજ વિભાગને રજૂઆત, પરિણામ શૂન્ય
ગેરકાયદેસર ખોદકામ બાબતે ટીડીઓ, મામલતદાર, ખાણ ખનીજ વિભાગ વગેરેને અગાઉ રજુઆતો કરી હોવા છતાં તમામ અધિકારીઓને ટેબલ નીચે વહીવટ મળી જતો હોઈ કોઈ પણ અધિકારી દ્વારા સદર કેસની તપાસ કરવામાં આવતી નથી. એક માસમનો સમય થઇ ગયો હોવા છતાં કોઇ કાર્યવાહી થઈ નથી. > લક્ષ્મણભાઈ ભોજાણી, અરજદાર, સાપલા

અન્ય સમાચારો પણ છે...