માતર તાલુકામાં ખેડુત ખાતેદારના ખોટા દાખલા રજુ કરી મોટી સંખ્યામાં જમીનો ખરીદાઈ હોવાની રજૂઆતને પગલે ગાંધીનગરથી તપાસ હાથ ધરાઈ હતી. જેમાં 100 થી વધુ શંકાસ્પદ ખેડુત ખાતેદારો હોવાનું ધ્યાન પર આવતા મામલતદાર દ્વારા તમામ ખેડુતોને નોટિસ ફટકારી તમે ક્યાના ખેડુત છો? નો જવાબ રજુ કરવા જણાવ્યું હતું. મહત્વની વાત છેકે નોટિસો આપે 7 દિ થવા આવ્યા પરંતુ ગુરૂવાર બપોર સુધી ફક્ત 4 ખેડુતોએ અરજી કરી પોતાના પુરાવા રજુ કર્યા હોવાનું માતર મામલતદાર કચેરીમાંથી જાણવા મળ્યું છે.
માતર અને તેની આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં ખોટા ખેડુત ખાતેદારના દાખલા રજુ કરી જમીનો ખરીદાઇ હોવાની માહિતીના પગલે ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેતે વખતે 200 થી વધુ ફાઇલો મહેસુલ વિભાગના અધિકારીઓ ગાંધીનગર લઈ ગયા હતા, જેની તપાસ દરમિયાન 100 જેટલા ખેડૂતો શંકાના દાયરામાં આવતા મામલતદાર દ્વારા નોટિસો આપી, તમે ક્યાં ના ખેડુત છો? તે અંગે પુરાવા સાથે જવાબ માંગ્યો હતો. જોકે નોટિસ આપ્યાને 7 દિવસ વીતી ગયા પરંતુ હજુ સુધી ફક્ત 4 ખેડૂતોએ પોતાના પુરાવા રજુ કર્યા છે.
ત્યારે એક બાબત સ્પષ્ટ છેકે જે લોકોએ ખોટી રીતે જમીનો લીધી છે, તેઓ પોતાના પુરાવા રજુ કરી સકવાના નથી. અને એટલે જ 7 દિવસ બાદ પણ ખોટા ખેડુત ખાતેદારો પુરાવા રજુ કરવામાં ઢીલા પડી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં સમગ્ર મામલે મોટો ઘટસ્ફોટ થશે તે સ્પષ્ટ છે.
ઓનલાઇન સર્ચ કરવાની કામગીરી ચાલુ છે
સરકાર દ્વારા હવે સમગ્ર કામગીરી ઓનલાઇન કરી દેવાઈ છે. જેથી નોટિસ આપ્યા પૈકી તમામ ખેડૂતોએ માતરમાં જમીન લીધી તે પહેલા ક્યા ખેડૂત હતા, અને કઇ જગ્યા નો દાખલો રજુ કર્યો છે તેની તપાસ થશે. આમ જમીન ખરીદનારની સૌપ્રથમ જમીન ક્યા હતી, અને કયા વર્ષમાં તેના ઊંડાણ સુધી જવામાં આવશે. - પ્રવિણ ભગત, મામલતદાર, માતર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.