ખેડા જિલ્લામાં નશીલા પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. પોલીસ આવા ગુનાઓને ડામવા માટે પ્રયાસો હાથ ધરી રહી છે. ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાંથી 54 હજારના ગાંજા સાથે એક ઇસમની અટકાયત કરી છે. આ ગાંજા પ્રકરણમાં ઉપરોક્ત ગાંજાનો જથ્થો દાહોદના એક ઈસમ પાસેથી ખરીદ્યો હોવાનું બહાર આવ્યું છે. આમ પોલીસે આ ગુનામાં બે ઈસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસના માણસો ગતરાત્રે ગળતેશ્વર પંથકમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ગામે ઈન્દીરા નગરીમાં રહેતા રમણભાઇ ભુદરભાઈ પ્રજાપતિ પોતાના ઘરે નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યો છે. જે આધારે પોલીસે ઉપરોક્ત રમણભાઈના ઘરે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
પોલીસે રમણભાઈ પ્રજાપતિને સાથે રાખી ઘરમાંથી ભેજયુક્ત 5.400 ગ્રામનો ગાંજો કબ્જે કર્યો છે. જેની કિંમત રૂપિયા 54 હજાર થાય છે.પોલીસે પંચોલી બોલાવી રમણભાઈ ના ઘરેથી વજન કાંટો તથા એક ફોન મળી કુલ રૂપિયા 56 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગાંજા પ્રકરણમાં ઉપરોક્ત ગાંજાનો જથ્થો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વેડજ ગામે રહેતા લક્ષ્મણસિંહ જનતસિહ ચૌહાણ નામના ઈસમ પાસેથી ખરીદ્યો હોવાનું બહાર આવ્યું છે. આમ પોલીસે આ ગુનામાં બે ઈસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.