કારના કૂરચે કૂરચા ઉડ્યાં:ખેડાના હરીયાળા પાસે ટોયોટા કાર ડિવાઈડર કુદી ઈકો કાર સાથે અથડાતા અકસ્માત, એકનું મોત, 12 લોકોને ઈજા

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેસણામાંથી પરત ફરી રહેલા અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો
  • ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ખેડા પાસેથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ગત રોજ ટોયેટા કાર અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમા અમદાવાદ તરફથી વડોદરા તરફ જઈ રહેલી ટોયેટા કાર એકાએક ડિવાઈડર કુદી રોગ સાઈડે ધસી આવી હતી. જેથી સામેથી આવતી ઈકો કાર સાથે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઈકો કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. જ્યારે 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તેમજ એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

સાળાનું દેહાંત થતાં પરિવાર બેસણામાં ગયો હતો

અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે દાણાપીઠા વિસ્તારમાં રહેતા બાધુભાઈ રામાભાઈ ભરવાડનું સાસરીયુ ચકલાસી મુકામે છે. ત્યારે તાજેતરમાં જ તેમના સાળાનું દેહાંત થતાં ગતરોજ તેમનું બેસણું હતું. જેથી બાધુભાઈ અને તેમની પત્ની તથા કુટુંબીજનો ઇકો કાર નંબર (GJ 38 B 2724)મા બેસી ચકલાસી મુકામે આવ્યા હતા. જ્યાં બેસણું પતાવી આ તમામ લોકો ભરત વિરમગામ ખાતે જઈ રહ્યા હતા.

ઈકો કાર રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી

આ દરમિયાન સાડા ત્રણ વાગ્યાની આસપાસ રધવાણજ ટોલટેક્ષ આગળ હરિયાળા બ્રીજ ઉતરતા સામેથી અમદાવાદ તરફથી આવતી ટોયેટા કાર નંબર (GJ 06 PD 2263)એ હાઇવે પરનો ડિવાઇડર કુદાવી ઉપરોક્ત ઇકો કારને આગળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઈકો કાર રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી. આ આકસ્માતમાં બંને ગાડીનો કૂરચો વળી ગયો હતો.

ચાર લોકોને ગંભીર ઈજા, એકનું મોત

ઈકો કારમાં બેઠેલા બાધુભાઈ ભરવાડ, ગંગાબેન ભરવાડ, ભોપાભાઈ છગનભાઈ ભરવાડ, જીનાભાઈ કાભાઈભાઈ ભરવાડ, કંકુબેન કાશીરામ ભરવાડ, માનાબેન ભોપાભાઈ ભરવાડ, બબુબેન રામભાઈ ભરવાડ, ટીડીબેન હાજાભાઈ ભરવાડ, રઘુભાઈ ગોપાલભાઈ ભરવાડને તથા ઉપરોક્ત ટોયેટા કારમા સવાર લોકો‌ મળી કુલ 10થી વધુ વ્યક્તિઓને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ પૈકી ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન ભોપાભાઈ છગનભાઈ ભરવાડ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

પશુ વચ્ચે આવી જતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો

આ બનાવ સંદર્ભે બાધુભાઈ ભરવાડે ખેડા ટાઉન પોલીસ મથકે ઉપરોક્ત ટોયેટા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. અકસ્માત નજરે જોનાર સ્થાનિકોએ જણાવ્યું હતું કે, હાઇવે ઉપર એકાએક પશુ આવી જતા ઉપરોક્ત ટોયેટા કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ડીવાઇડર સાથે અથડાવી સામે રોંગ સાઇડે ધસી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...