ગયા વર્ષના અંતમાં વસો તાલુકાના નવાગામ મુકામે વિકાસ કામોમાં ભ્રષ્ટાચારની બૂમ ઉઠી હતી. આ મામલો ઉજાગર થતા ડીડીઓ કક્ષાએથી તપાસના આદેશ થયા હતા. ત્યારે હવે સમગ્ર મામલે સ્થાનિક તંત્રએ તપાસ પૂર્ણ કરી હોવાની વિગતો સામે આવી છે. જેના પગલે હવે કૌભાંડમાં સામેલ પદાધિકારીઓ અને સરકારી બાબુઓ પર કાર્યવાહીની તલવાર લટકી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વસોના નવાગામ મુકામે જે-તે સમયે વિકાસના કામોમાં મસ મોટી ખાયકી થઈ હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત થઈ હતી. ગ્રામ પંચાયતની જુદી-જુદી ગ્રાન્ટમાંથી 14 જેટલા કામોમાં સરપંચ, ડે.સરપંચ સહિત તેમના મળતિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાના આરોપ અરજીમાં ઉઠ્યા હતા.
ગામમાં જ રહેતા આશિષકુમાર પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. જેમાં નવાગામના સરપંચ કેસરબેન મહીડાનો વહીવટ કરતા તેમના પુત્ર કરતા હોવાનો, ડે.સરપંચ મફતભાઈ ભરવાડ તેમજ સરકારી કર્મચારીઓ દ્વારા ગ્રામ પંચાયતને મળતી વિકાસના કામોની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કર્યો હતો. 16 કામોની યાદી તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરી મુખ્યત્વે સી.સી.રસ્તા, પેવીંગ બ્લોક, કેટલ શેડના કામોમાં ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ કર્યા હતા.
આ ઉપરાંત સાંસદ સભ્યની ગ્રાન્ટમાં પણ નાણાકીય ગોલમાલના આરોપ અરજીમાં કર્યા હતા. જેથી મામલો ડીડીઓ સુધી પહોંચ્યો હતો અને ડીડીઓ દ્વારા તપાસના આદેશ કરાયા હતા. સ્થાનિક તંત્રએ તપાસની ધમધમાટી બોલાવ્યા બાદ અંતે હવે તપાસ પૂર્ણ થઈ છે. ત્યારે આ અંગે હવે તપાસનો રીપોર્ટ જિલ્લા કક્ષાએ મોકલાશે. તેમજ ત્યાંથી જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી વકી છે. જેના પગલે કૌભાંડીઓ દોડતા થઈ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.