વિવાદ:ખેસ પહેરી પહોચનારા હિન્દુ વિદ્યાર્થીઓને ITIમાં નો એન્ટ્રી

નડિયાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરસંડા ITIમાં ધાર્મિક પોશાકને લઇ વિવાદ

ઉત્તરસંડાનું 40 વર્ષ જુનું આઈટીઆઈ ધાર્મિક પોષાકને લઇ વિવાદમાં આવ્યું છે. તાજેતરમાં કોઈ મુસ્લિમ વિદ્યાર્થી ટોપી પહેરીને આવતા અન્ય હિન્દુ વિદ્યાર્થીઓએ ઇન્સટ્રક્ટરનું ધ્યાન દોર્યું હતું. ઇન્સટ્રક્ટરે તમે પણ ટોપી પહેરીને આવી શકો છો તેમ કહ્યું હતું. બીજા દિવસે હિન્દુ વિદ્યાર્થીઅો ખેસ પહેરીને જતાં એન્ટ્રી અપાઇ ન હતી.

જેને પગલે સમગ્ર મામલો વિશ્વ હિન્દુ પરિષદ સુધી પહોંચ્યો હતો. જે અંગે વિહિપના કાર્યકરો મોટી સંખ્યામાં રજૂઆત કરવા માટે ઉત્તરસંડા આઈટીઆઈ પહોંચ્યા હતા. સમગ્ર મામલે આચાર્યને રજૂઆત સમયે ઉગ્ર બોલાચાલી થતા એક સમયે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

હેરંજ પ્રાથમિક શાળામાં ગરબાના કાર્યક્રમ દરમિયાન છાજીયા લેવાનો મુદ્દો હજુ શાંત પડ્યો છે. ત્યાં ઉત્તરસંડા આઇટીઆઇમાં નવો વિવાદ સામે આવ્યો છે. વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે સંસ્થામાં એક મુસ્લિમ યુવક ટોપી પહેરીને આવતો હોય હિન્દુ વિદ્યાર્થીઓએ ઇન્સટ્રક્ટરને જાણ કરી હતી. જેથી ઇન્સટ્રક્ટરે તમે પણ ટોપી પહેરી શકો છો, તેવો જવાબ આપ્યો હતો. બીજા દિવસે હિન્દુ યુવકો ખેસ પહેરીને સંસ્થામાં પહોંચ્યા ત્યારે તે લોકોને ગેટની બહાર જ રોકી દેવાયા હતા.

સુપ્રીમ કોર્ટના ચુકાદાની અવમાનના થઈ રહી છે
અમારી રજૂઆત છેકે સુપ્રીમના કાયદા મુજબ ધાર્મિક પોષાકો પહેરી પ્રવેશ આપવો નહીં. તેનાથી સર્વોચ્ચ કોર્ટની અવમાનના ગણાય જે મામલે અમે આચાર્યને રજુઆત કરી છે, - ઇશ્વરદાન બારોટ, મહામંત્રી, વિહીપ

અમને ખેસ પહેરવાની છૂટ આપો
જો મુસ્લિમો અહી ટોપી અને બુરખા પહેરીને અહીં આવતા હોય તો અમે પણ કેસરી સાફો પહેરીને આવ્યા હતા. મુસ્લિમોને શુક્રવારે નમાજ પઢવા રજા પણ અપાય છે તો અમને પણ શનિવારે રજા આપો. - શૈલેષ ભોજાણી, વિદ્યાર્થી

સીસીટીવી ચેક કરી સમગ્ર મામલાની તપાસ કરાશે
વિહીપનો આક્ષેપ છે કે યુવક એક મહિનાથી ટોપી પહેરીને આવતો હતો. તપાસ કરવા એક કમિટી બનાવી છે. સીસીટીવી ફૂટેજ ચેક કરાશે. અને તેના પરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.- સચિન નકુમ, ઇન્ચા. પ્રિન્સિપાલ, ઉત્તરસંડા ITI

અન્ય સમાચારો પણ છે...