નડિયાદની દાવડા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પાસ થઈ જતા સરપંચને હોદ્દો ગુમાવવાનો વારો આવ્યો છે. પંચાયત સભ્યો દ્વારા ઓક્ટોબર માસમાં તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી. જેમાં સરપંચ બહુમતી સભ્યોનું સાંભળવાના બદલે મનમાની કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે બાદ યોજાયેલ ગ્રામસભામાં સરપંચ તરફે ફક્ત 3 જ્યારે અવિશ્વાસ તરફે 7 મત પડતા અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પાસ થતા સરપંચને પદ ગુમાવવું પડ્યું હતું.
અગાઉ સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજુ કરેલ અવિશ્વાસની દરખાસ્તમાં આરોપ મુકવામાં આવ્યા હતા કે સરપંચ સભ્યોની વાતને ધ્યાનમાં લેતા નથી, ઉલટાનું સભ્યોની રજુઆતથી તદ્દન વિપરીત અને વિરુદ્ધમાં ઠરાવ કરી મનઘડત રીતે વિકાસના કામોનું આયોજન કરે છે. ગ્રામ્ય સુખાકારી વધે તેવા કામોમાં તેઓ સહભાગી થતા નથી. પંચાયતમાં થતા ખર્ચનો હિસાબ પણ આપતા નથી. આવા ગંભીર આક્ષેપોને પગલે યોજાએલ ગ્રામસભામાં તલાટી કમ મંત્રી અને વિસ્તરણ અધિકારીની રૂબરૂમાં કુલ 10 સભ્યો પૈકી 7 સભ્યોના બહુમતી વિરોધથી સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ હતી. હવે નવા સરપંચ આવીને ગામના વિકાસ કાર્યો કરવા માટે શું કરશે તે જોવાનું રહ્યું.તેમજ કોણ બનશે સરપંચઅે ચર્ચાઅે ગામમાં જોર પકડ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.