નડિયાદ તાલુકાના સલુણ તળપદની પરિણીતાને તેના સાસરિયાઓ ત્રાસ આપતાં અંતે આ મામલે પરીણીતાએ નડિયાદ મહિલા પોલીસમાં પોતાના પતિ, સાસુ, સસરા અને દિયર સામે ફરિયાદ નોંધાવી છે. પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધો તથા ઘરકામ બાબતે સાસરીયોનો ત્રાસથી કંટાળેલી પરણીતાએ પોલીસના પગથિયાં ચઢી ન્યાય મેળવવા અરજ કરી છે. પતિ, પત્ની અને સાસરીયાઓના ખટરાગ વચ્ચે એક 3 વર્ષના પુત્રનુ જીવન અંધકારમય બન્યુ છે.
પીડિતા પાસે પુરાવા પેટે ફક્ત બે ચિઠ્ઠી હતી અન્ય કોઈ પુરાવા નહોતા
નડિયાદ પાસેના સલુણ તળપદ ગામની 25 વર્ષીય દીકરીના લગ્ન વર્ષ 2009મા આણંદના ગામડી ખાતે રહેતા યુવાન સાથે સમાજના રીતી રીવાજ મુજબ થયા હતા. શરુઆતના સમયગાળામાં પરણીતાને સારી રીતે સાસરીયાના લોકો રાખતા હતા. વર્ષ 2016મા આણું તથા સ્ત્રી ધન લઈને પરણીતા પોતાના સાસરીમાં આવી હતી. જે બાદ પરણીતાના સારા દિવસો રહેતા તેણીના કૂખે એક સંતાનનો જન્મ થયો હતો જે હાલ 3 વર્ષના આશરાનો છે. આ સારા દિવસો ચાલતા હતા ત્યારે તેણીના પતિના કોઈ અન્ય સ્ત્રી સાથેના ચક્કરની વાત પીડીતાને માલૂમ પડી હતી. જોકે આ બાબતે તેણીની પાસે પુરાવા પેટે ફક્ત બે ચિઠ્ઠી હતી અન્ય કોઈ પુરાવા નહોતા. જોકે ગર્ભવતી હોવાથી પીડીતાએ એમ માની લીધું હતું કે તેણીનો પતિ સુધરી જશે.
તેણીની નાની બહેનના લગ્ન પણ તેના સગા દિયર વેળાએ કર્યા હતા
જોકે પુત્રના જન્મ બાદ સસરા અને સાસુ તને ઘરકામ કરતા આવડતુ નથી અને બાળક મૂકી તુ જતી રહે તેમ કહી શારીરિક માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. વાત એટલી હદે કરતા કે પીડીતાને અવારનવાર કહેતા કે તારા પિતાને કહેજે કે તારા બીજા લગ્ન કરાવી દે.આ ઉપરાંત તેણીની નાની બહેનના લગ્ન પણ તેના સગા દિયર વેળાએ કર્યા હતા. આથી પરણીતાના દિયર પણ કહેતા કે તારી બહેન મને જોઈતી નથી અમે તેને તેડી લાવવાના નથી. આમ કહી સાસરીયાના લોકો ગમેતેમ અપશબ્દો બોલતા હતા.
પીડીતાએ નડિયાદ મહિલા પોલીસમા અરજી આપી
ગત 7મી જુલાઈના રોજ સાસરીયાના લોકોએ જણાવ્યું કે અમારે તને છુટાછેડા આપવાના છે તેમ કહી ઝઘડો કરી પીડીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. જે બાદ પીડીતા પોતાના સંતાનને લઈને પીયર આવી ગઈ હતી. જોકે પછી સાસરીયાના લોકો ફોસલાવીને 3 વર્ષના સંતાનને પીડીતા પાસેથી લઇ ગયા હતા. આ બાદ ભાણીયાને મૂકી જવા પીડીતાના માતા-પિતાએ જણાવ્યું પણ સાસરીયાના લોકો બહાના બતાવતા સમગ્ર મામલે પીડીતાએ નડિયાદ મહિલા પોલીસમા અરજી આપી હતી.
પોલીસે આઈપીસી 498(A),504, 114 મુજબ ગુનો નોંધ્યો
અરજી આપ્યા બાદ સાસરીયાના લોકો તેણીને તેડવા નક્કી થયા હતા. પરંતુ એ બાદ પણ તેડી ન જતાં કંટાળેલી પરણીતાએ મહિલા પોલીસમા પોતાના પતિ, સાસુ, સસરા અને દિયર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498(A),504, 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. આ બનાવમા પતિ, પત્ની અને સાસરીયાઓના ખટરાગ વચ્ચે 3 વર્ષના પુત્રનુ જીવન અંધકારમય બન્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.