બેંક ઓફિસરોની મનમાની:નડિયાદની ઇન્ડિયન બેંકે વેન્ટિલેટર પર રહેલા સિનિયર સિટિઝનનો ચેક 4 વખત રિટર્ન કરતાં ખાતું બંધ કરાવ્યું

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિનિયર સિટિઝનને બેંકમાં લઇને આવવાની બેંક ઓફિસરોની જીદ

નડિયાદ શહેરમાં પટેલ સોસાયટીમાં રહેતા સિનિયર સિટિઝનને ખાનગી બેંકનો ખરાબ અનુભવ થયો છે. પોતાના એકાઉન્ટમાં રહેલા રૂપિયા અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવા માટે 4 વાર ચેક લખવા છતાં બેંક દ્વારા ચેક ક્લિયર કરવામાં આવતા ન હતા. દર વખતે જુદા જુદા બહાના બતાવી ગ્રાહકને પરેશાન કરતા ના છુટકે ગ્રાહકે ખાતુ બંધ કરાવી તમામ રકમ વિડ્રો કરવાની ફરજ પડી હતી.

શહેરના પીજ રોડ પર આવેલ પટેલ સોસાયટીમાં ચંદ્રકાંત દેસાઈનું સેવિંગ એકાઉન્ટ સંતરામ રોડ પર આવેલ ઇન્ડિયન બેંકમાં હતુ. ઘણા સમયથી એકાઉન્ટનો વપરાશ નહીં થયો હોય એકાઉન્ટ ડિએક્ટિવેટ થઈ ગયું હતું. ચંદ્રકાંતભાઇની તબિયત નાદુરસ્ત હોઇ તેમનો ભાણીયો પાર્થ 15 દિવસ અગાઉ બેંકમાં એકાઉન્ટ એક્ટિવ કરાવવા ગયો હતો. જે દરમિયાન બેંક કર્મચારીઓ સાથે વાત કરતા એક સમયે સિનિયર સિટિઝનને બેંકમાં લઈને આવવા સુધીની જીદ પકડી હતી.

જે બાદ રૂ.3.21 લાખનો ઇન્ડિયન બેંકનો ચેક એચ.ડી.એફ.સી બેંકમાં જમા કરાવાનો હોય તે સમયે પણ બેંક કર્મચારીઓ દ્વારા સિનિયર સિટિઝનને બેંકમાં રૂબરૂ લાવવા આગ્રહ રાખ્યો હતો. આખરે ગ્રાહક દ્વારા ચેક અન્ય બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો. જે અંગે બેંક મેનેજર સાથે વાત કરવા જતા જુદા જુદા બહાના બતાવ્યા હતા. ચાર ચાર વાર ચેક ક્લિયર નહી થતાં, આખરે હારી થાકીને ચંદ્રકાંતભાઈએ બેંક એકાઉન્ટ બંધ કરાવી તમામ રકમ વિડ્રો કરી લીધી હતી.

ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરાઈ
બેંકનો કડવો અનુભવ થતા ચંદ્રકાંતભાઈ દ્વારા બેંકના નોડલ ઓફિસર અને જનરલ મેનેજરને મેઈલ મારફતે ફરિયાદ કરી છે. જોકે આગામી દિવસોમાં આ બાબતે જવાબદારો યોગ્ય કાર્યવાહી કરે છેકે કેમ તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...