ઓનલાઈન ફ્રોડ:નડિયાદની ગૃહિણીને ઓનલાઇન વેપાર કરવો ભારે પડ્યો, આર્મીની ઓળખ આપી ગઠીયાએ રૂ. 78 હજારથી વધુની રકમ સેરવી લીધા

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ઓનલાઇન ચીટીંગની એક પછી એક ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાઈ રહી છે. ત્યારે જિલ્લામાં વધુ એક ઓનલાઇન ચીટીંગની ફરિયાદ નોંધાઈ છે. નડિયાદની ભુમેલ ગામની ગૃહિણીને ઓનલાઇન વેપાર કરવો ભારે પડ્યો છે. ગઠીયાએ ઈન્ડિયન આર્મીની ઓળખ આપી અલગ-અલગ રીતે રૂપિયા 78 હજાર 793 સેરવી લીધા છે. મહત્વનું છે કે, રૂપિયા 2410ની ખરીદી આર્મીની ઓળખ આપનારે કરી અને તેની સામે આ પેમેન્ટ મેળવવા ગૃહિણીએ રૂપિયા 78,793 ગુમાવ્યાં છે.
સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કર્યો
નડિયાદ તાલુકાના ભુમેલ ગામે આઝાદ ચોકમાં રહેતી 37 વર્ષીય જીનલબેન અલ્પેશકુમાર સુથાર પોતે જયપુર ખાતે લેનદેન વેપાર કંપનીમાં ઓનલાઇન ડ્રેસ મટીરીયલ્સ તથા પર્સનો સેલિંગનો ધંધો કરે છે. તેઓ અવારનવાર પોતાના ફેસબુક આઇડી પર આ ઓનલાઈન મટીરીયલ્સના ફોટા અપલોડ કરે છે. ગત 14 સપ્ટેમ્બરના રોજ તેણીના ફેસબુક મેસેન્જર પર પ્રિયા નામની વ્યક્તિનો મેસેજ આવ્યો હતો. જેમાં આ વ્યક્તિએ હિન્દીમાં મેસેજ કર્યો હતો કે, તમારા પર્સ મને પસંદ છે અને હું તમને મારા પતિનો મોબાઇલ નંબર આપું છું તેમાં વોટ્સએપ પર આ તમામ પર્સના ફોટોગ્રાફ્સ મોકલી આપો.
સામેવાળી વ્યક્તિએ આર્મીની ઓળખ આપી
જેથી પ્રિયાના પતિએ 5 પર્સ સિલેક્ટ કર્યા હતા જે પર્સની કિંમત રૂપિયા 2, 410 થતી હતી. જેની ડીલેવરી માટે એડ્રેસ પણ મોકલેલું હતું. જેમાં જણાવ્યાં મુજબ મનોજ તિવારી, ઇન્ડિયન આર્મી સર્વિસ, જામનગર , ગુજરાત રિલાયન્સ કંપની એરીયા ગલી નંબર 11 હાઉસ નંબર 36નું એડ્રેસ હતું. આ પછી 15મી સપ્ટેમ્બરના રોજ ગૃહિણીએ ઉપરોક્ત મનોજ તિવારીના વોટ્સએપ નંબર ઉપર મેસેજથી પર્સના પૈસા બાબતે ગુગલ પે થી મોકલવાની વાત કરી હતી. જેથી સામેવાળી વ્યક્તિએ જણાવ્યું હતું કે, હું ઇન્ડિયન આર્મીમાં છું અને અમારે ગુગલ પે વાપરવાની પરમિશન નથી અને સેલેરી કાર્ડથી પેમેન્ટ થઈ શકે તેમ છે તે પછી તેણે કહ્યું કે તમે મને પૈસા મોકલો હું તમને તમારા અને જે આપવના છે તે એમ બંને પૈસા એડ કરી મોકલી આપું છું.
​​​​​​​ગૃહિણીએ 2 હજાર 410 ઉપરોક્ત વ્યક્તિના ખાતામાં નાખ્યાં
આ પછી ક્યુ આર કોડ મોકલે અને ઉપરોક્ત ગૃહિણીએ ક્યુ આર કોડ સ્કેન કરી ઉપરોક્ત વ્યક્તિના ખાતામાં એક રૂપિયાનો ટ્રાન્જેક્શન કર્યુ હતું. બાદમાં બે રૂપિયાનું સામેવાળી વ્યક્તિએ ટ્રાન્જેક્શન કર્યું હતું. આ પછી આ સામેવાળી વ્યક્તિએ જણાવ્યું હતું કે તમે મને રૂપિયા 2 હજાર 410 મારા ખાતામાં નાખો અને હું તમારા કુલ રૂપિયા 4,820 નાખી આપું છું. આથી ગૃહિણીએ 2 હજાર 410 ઉપરોક્ત વ્યક્તિના ખાતામાં નાખ્યા હતા અને એ પછી પણ હજાર-હજાર રૂપિયા મળી કુલ રૂપિયા 4 હજાર 910 આપ્યા હતા.
​​​​​​​રીવર્ડના નામે ઠગાઈ કરી
આ બાદ ગૃહિણીએ પોતાના પૈસા પરત લેવા માટે સામેવાળી વ્યક્તિને જણાવતા સામેવાળા વ્યક્તિએ જણાવ્યું હતું કે મારા મશીનથી પૈસા પાછા જતા નથી. જેથી તેણે આ ગૃહિણી પાસે એટીએમ કાર્ડ માગ્યું હતું. આથી ગૃહિણીએ પોતાનું એટીએમ કાર્ડ મોકલી આપ્યું હતું. છતાં પણ તેણીના ખાતામાં ઉપરોક્ત ડેબિટ થયેલી રકમ પાછી આવી ન હતી. બીજા દિવસે ગૃહિણીએ પૈસા પાછા માંગતા સામેવાળી વ્યક્તિએ જણાવ્યું કે તમારા પૈસા પાછા આપું છું તમારે ક્યુ આર કોડ સ્કેન કરવાનો કહી તમે મારા ખાતામાં પૈસા નાખો હું તમને રીવર્ડ કરી આપું છું. આમ કહી વિશ્વાસમાં લીધા હતા અને અલગ રકમ કપાત કરી હતી.
​​​​​​​​​​​​​​ચકલાસી પોલીસે આઈપીસી 406 મુજબ ગુનો નોંધ્યો
​​​​​​​
ફરીવાર પણ સામેવાળી વ્યક્તિએ જણાવ્યું કે ગુગલ પે કે પેટીએમ વાપરતા હોય તો જણાવો જેથી મહિલાએ પોતાના નણદોઈ પેટીએમ વાપરતા હોય આ પેટીએમનો કોડ આપ્યો હતો. આ બાદ આ વ્યક્તિના ખાતામાંથી પણ અલગ-અલગ રીતે ગઠીયાએ કુલ રૂપિયા 48 હજાર 885 સેરવી લીધા હતા. આ પછી અન્ય તેના સાગરીતે કર્નલની ઓળખ આપી 19 હજાર 999 રૂપિયા આ રીતે મેળવી લીધા હતા. આમ અલગ અલગ રીતે કુલ રૂપિયા 78 હજાર 793 રૂપિયા મેળવ્યાં હતા. આ રૂપિયા પાછા લેવા માટે અવારનવાર ગૃહિણી ફોન કરતા સામેવાળી વ્યક્તિ આ પૈસા પાછા આપ્યા ન હતા અને ગૃહિણીને પોતાની સાથે સાયબર ફ્રોડ થયેલ હોવાનો અહેસાસ થતાં સમગ્ર સંદર્ભે આજે ચકલાસી પોલીસમાં મનોજ તિવારી નામના વ્યક્તિ, ખાતાધારક નંબર વાળો વ્યક્તિ અને પ્રિયા નામની વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 406 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...