બસના સ્ટેન્ડ છે પણ બસ નથી:નડિયાદના નગરજનો સીટી બસ‌ની સેવાથી વંચિત, લાખો રૂપિયાના ખર્ચે બંધાયેલા સ્ટેન્ડ ખખડધજ હાલતમાં

નડિયાદ15 દિવસ પહેલા
  • વહેલામા વહેલી તકે સીટી બસ‌ સેવાનો પુનઃ પ્રારંભ થાય તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં નગરજનોને સીટી બસ સેવાથી વંચિત રહેવું પડ્યું છે. તો બીજી બાજુ નગરમાં ઠેકઠેકાણે લાખો રૂપિયાના ખર્ચે બંધાયેલા સીટી બસ સેવાના સ્ટેન્ડોની દયનીય હાલત છે. છેલ્લા કેટલાય વર્ષોથી નગરપાલિકાએ સીટી બસ સેવાના માત્ર સ્વપ્ન બતાવ્યા છે. ત્યારે વહેલામા વહેલી તકે સીટી બસ‌ સેવાનો પુનઃ પ્રારંભ થાય તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.

5-6 વર્ષ અગાઉ બસ સેવા હતી

નડિયાદમા વિકાસની વાતો વચ્ચે નડિયાદ પાલિકા પાયાની સુવિધા આપવામાં ઊણી ઊતરી નથી તેવો ચિતાર સામે આવ્યો છે. નગરમાં સીટી બસના સ્ટોપેજ તો જોવા મળે છે પણ સીટી બસ ક્યાંક‌ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. છેલ્લા કેટલાય વર્ષોથી સીટી બસની સેવા નગરમાં બંધ છે. નગરમાં 5-6 વર્ષ અગાઉ એક સમયે સીટી બસ સેવા ધમધમતી હતી. જેના કારણે આ સમયગાળામાં પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે નગરમાં સીટી બસ સેવાના સ્ટેન્ડો બનાવ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી નગરમાં આ સેવા છીનવાઈ ગઈ છે. મહત્વનું છે કે શહેરના‌ 8 સ્થળોએ લાખો રૂપિયાના ખર્ચે બનાવાવેલા સીટી બસના સ્ટોપેજો હતા. જે આજના સમયમાં કેટલાક ખખડધજ હાલતમાં તો બેસવા લાયક પણ નથી તો કેટલાક માત્ર ને માત્ર જાહેરાત માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.

વર્ષો અગાઉ ખાનગી એજન્સીની વિટકોસ બસ શહેરમાં દોડતી હતી. શહેર તો શહેર પણ આસપાસના ગામડાઓમાં પણ આ બસ સેવા નો લાભ મળતો હતો. પરંતુ કોઈ કારણોસર આ સેવાને બંધ કરી દીધી હતી. જોકે, કોરોના સમયગાળા પહેલા નડિયાદમાં સીટી બસ દોડાવવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લઈ સૈધ્ધાંતિક મંજૂરી આપી આ માટે અમુક બસોની ફાળવણી પણ કરવામાં આવી હતી. જોકે વચ્ચે કોરોના આવી જતા સરકારી ચોપડેથી આ સેવા હવે ભૂંસાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

નડિયાદ નગરમાં લાખો રૂપિયાના ખર્ચે બંધાયેલા સીટી બસ સેવાના સ્ટોપેજો ધુળ ખાઈ રહ્યા છે, તો ક્યાંક ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે. હાલ આ સીટી બસ સેવા બંધ રહેતા નગરજનોને તથા આસપાસથી આવતાં ગ્રામજનોને નડિયાદમાં બમણા પૈસા આપી શટલમાં ફરવા મજબૂર થવું પડે છે. તંત્ર દ્વારા નગરજનોને પડતી તકલીફો સમજી વહેલામાં વહેલી તકે નગરમાં ફરીથી સીટી બસ સેવાનો પ્રારંભ થાય તેવું નડિયાદીઓ ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...