નડિયાદના સંતરામ મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ 6 જાન્યુઆરીને પોષી પૂનમે બોર ઉછાળાશે. જેના માટે નડિયાદના વેપારીઓએ 2 લાખ બોરનું એડવાન્સ બુકિંગ કરાવ્યું છે, જે એક જ દિવસમાં વેચાઇ જશે. બાળકો બોલતા ન હોય કે બોલવામાં તકલીફ પડતી હોય તેવા પરિવારો બોર ઉછાળવાની બાધા રાખતા હોય છે. પોષી પૂનમે થતાં બોરના ઉત્સવ બાદ શ્રદ્ધાળુઓ બોર ભેગા કરીને પ્રસાદી રૂપે લઇ જાય છે.
સ્થાનિક વેપારી વિજય તળપદાના જણાવ્યા મુજબ પોષી પૂનમના એક દિવસના વેપાર માટે વેપારીઓએ 20 ટ્રક બોરનું એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. એક ટ્રક માં 10 હજાર કિલો બોર આવતા હોય છે. 2 લાખ કિલો બોરનું એડવાન્સ બુકિંગ વેપારીઓ દ્વારા કરી દેવાયું છે.
નડિયાદ સ્થિત શ્રીસંતરામ મંદિરમાં બારેમાસ પરંપરાગત તહેવારોની ઉજવણી થાય છે, જેમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી ભક્તો આવતા હોય છે. ભક્તોની બોરની માંગને પહોંચી વળવા નડિયાદના વેપારીઓએ 2 લાખ કિલો બોરનું એડવાન્સ બુકીંગ કરાવી દીધું છે.
100 વર્ષ પૂર્વે પ્રથાનો પ્રારંભ થયો હતો
શ્રીસંતરામ મંદિરમાં 100 વર્ષ પૂર્વે બોર ઉછાળવાની પ્રથા શરૂ થઈ હતી. દર વર્ષે 1 લાખથી વધુ ભક્તો પોષી પૂનમના દિવસે શ્રીસંતરામ મહારાજની અખંડ જ્યોતના દર્શન અને બાધા-માનતા પૂર્ણ કરવા માટે શ્રીસંતરામ મંદિર આવતા હોય છે.
પૂના, નાસિક, સૌરાષ્ટ્રની વાડીમાંથી બોર આવે છે
પોષી પૂનમ માટે મહિના પહેલા પૂના, નાસિક, સૌરાષ્ટ્ર, ખેડા, આણંદ જિલ્લાની વાડીઓમાં બુકિંગ કરાવાય છે. 4 તારીખ રાત સુધીમાં બોર આવી જશે અને પોષી પૂનમે વેચાઈ પણ જશે. > કરણ એચ.ધરમાણી, વેપારી, નડિયાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.