6 ​​​​​​​દિવસની કામગીરીનું સરવૈયું:નડિયાદ પાલિકાએ પકડેલી 70માંથી 50 ગાય છોડાવવા કોઇ ફરક્યું જ નહીં

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 ગાયોને જ પશુ માલિકો છોડાવવા માટે આવ્યા

રખડતા ઢોરોની સમસ્યાથી રાજ્યની સાથે નડિયાદ પણ પરેશાન છે. અહીં પાંચ દિવસમાં ચાર વ્યક્તિઓને રખડતા ઢોરે શીંગડે ભેરવ્યા છે. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. બીજી તરફ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે મુજબ સપ્ટેમ્બર માસના છ દિવસમાં 70 ગાયોને પકડી પાંજરે પૂરવામાં આવી છે. જોકે મહત્વની વાત એ છેકે છ દિવસમાં પકડાયેલી 70 ગાયો પૈકી ફક્ત 20 ગાયોને જ પશુ માલિકો છોડાવવા માટે આવ્યા છે.

પાલિકાએ આવા 20 પશુપાલકો પાસેથી રૂ.300 લેખે રૂ.6 હજાર દંડ વસુલ કર્યો છે. જ્યારે 50 ગાયોને છોડાવવા કોઈ પશુ માલિક આવ્યા નથી. જેના કારણે નગરપાલિકાનો ઢોરવાડો ભરાઈ ગયો છે. નગરપાલિકા દ્વારા સતત ઢોરોને પકડવાની કામગીરી થઈ રહી છે. પરંતુ પકડેલા ઢોરોને પૂરવાની જગ્યા નાની હોય ફક્ત 50 પશુને જ પુરી શકાય છે. જેથી પકડાયેલા ઢોરને છોડાવવા કોઈ માલિક ન આવે તો આવા પશુઓને શહેર થી 6 કિમી દૂર ગૌચરમાં છોડી મુકવાનું નક્કી કરાયું છે.

આ વિસ્તારમાં રખડતા પશુનો વધતો ત્રાસ
મીલરોડ ,કપડવંજ રોડ ,રામદેવપીર મંદિર પાસે ,વલ્લભ નગર થી શારદા મંદિર રોડ ,રબારી વાડ ,વાણીયાવાડ ,અમદાવાદી બજાર ,નાની મોટી શાક માર્કેટ ,સંતરામ રોડ

જિલ્લાની ગૌશાળાએ ગાયો લેવાની ના પાડી દીધી છે
અગાઉ રખડતા ઢોરને પકડવામાં આવે અને કોઈ છોડાવા ન આવે તો તેને ગૌશાળામાં આપી દેવામાં આવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ડાકોર સહિતની જિલ્લાની ગૌશાળા પણ પશુ લેવાની ના પાડી દે છે. ગૌ શાળાઓમાં હવે વધારે પશુ રાખવાની જગ્યા નથી તેવા જવાબ પાલિકાની ટીમને મળી રહ્યા છે. - રાકેશ શર્મા, ઢોર પાર્ટી, નડિયાદ નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...