નામને લઈ નારાજગી!:નડિયાદના MLAએ રસ્તાના કામની કરેલી પોસ્ટમાં MPના નામનો ઉલ્લેખ ન કર્યો, દેવુસિંહે કોમેન્ટ કરતા બીજી પોસ્ટ કરી

નડિયાદએક મહિનો પહેલા
  • ફેસબુક પેજ હેન્ડલ કરનાર વ્યકિતના ધ્યાન બહાર રહી ગયું હતું- પંકજ દેસાઈ
  • કેન્દ્રીય મંત્રી દેવુસિંહનો સિંહફાળો છે- પંકજ દેસાઈ

નડિયાદમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવેથી ગણપતિ મંદિર સુધીના 4 કિલોમીટરના માર્ગનું સમારકામ શરૂ થતા ધારાસભ્ય પંકજ દેસાઈ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારબાદ પોતાના ફોટો સાથે ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી. જેમાં ખેડાના સાંસદ દેવુસિંહના નામનો કોઈ ઉલ્લેખ ન કરાયો હોય દેવુસિંહ સોશિયલ મીડિયામાં જ પોતાની નારાજગી વ્યકત કરી હતી. જેના કારણે પંકજ દેસાઈએ થોડીવાર બાદ એક બીજી પોસ્ટ કરી હતી જેમાં દેવુસિંહનો આભાર માનવામાં આવ્યો હતો. ફેસબુક પેજ હેન્ડલ કરનારના ધ્યાન બહાર રહી ગયું હોવાનું પંકજ દેસાઈએ જણાવ્યું હતું.

નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ
નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ

5 કરોડના ખર્ચે રોડનું નવીનીકરણ થશે
નડિયાદની ફરતે આવેલા રીંગરોડની હાલત દયનીય બની છે. એમા એક્સપ્રેસ હાઈવેથી ગણપતિ મંદિર સુધીના 4.2 કીમીના રોડ એટલી હદે ખરાબ છે કે ન પુછો વાત. વાહન ચાલકોને અહીયા જાણે ઉટની પીઠ પર બેસી સવારી કરી રહ્યા હોય તેવુ લાગે છે. આ ખરાબ રોડ પર નવિનીકરણની કામગીરી હાથ ધરાઈ છે.નેશનલ હાઇવેનો રીંગ રોડનો આશરે 4.2 કિમીનો રસ્તો હેવી ટ્રાફિક, મોટા ટ્રેલરો, ઓવરલોડ વાહનોને કારણે રસ્તાનું લેયર ખસી ગયું હતું. ઉપરાંત રોડની સરફેસ તૂટી ગઈ હતી.જેની રજૂઆત મુખ્ય દંડક અને નડિયાદનાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણને કરવામાં આવતાં તેઓએ આ કામ નેશનલ હાઇવે ઓથોરિટીમાં મંજુર કરાવ્યું હતું.

નડિયાદના ધારાસભ્યએ રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું
નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈએ આજે જે રસ્તાનું નવીનકરણ કરવામાં આવી રહ્યું છે તેની મુલાકાત કરી હતી. મુલાકાતબાદ પંકજ દેસાઈના ફેસબુક પર પોતાના ફોટો અને લખાણ સાથે એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં ખેડાના સાંસદ દેવુસિંહે રોડ મંજૂર કરાવ્યો હોવા છતા તેના નામનો ઉલ્લેખ ન હતો. જેના કારણે દેવુસિંહે નડિયાદના ધારાસભ્યની પોસ્ટની નીચે જ કોમેન્ટ કરી નારાજગી વ્યકત કરી હતી.

સાંસદ દેવુસિંહ ચૌહાણ
સાંસદ દેવુસિંહ ચૌહાણ

દેવુસિંહ સોશિયલ મીડિયાના માધ્યમથી નારાજગી વ્યકત કરી નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ ફેસબુક પર જે પોસ્ટ કરી હતી તેમાં જ સાંસદ દેવુસિંહે કોમેન્ટ કરી લખ્યું હતું કે, ભાઈ શ્રી પંકજભાઈ, જય મહારાજ...આ રોડ ભારત સરકારના વિભાગમાંથી જેને તાત્કાલિક મંજૂર કરાવી આપ્યો તેનું નામ લખવું જોઈએ. આટલી તો ખેલદિલી હોવી જોઈએ.તમારા ઘણા કામ મંજૂર કરાવી આપ્યા છે પણ ખેલદિલી કેળવશો તો મોટા કહેવાશો.

સાંસદની નારાજગી બાદ બીજી પોસ્ટ કરવામાં આવી
દેવુસિંહે સોશિયલ મીડિયાના માધ્યમથી જ નારાજગી વ્યકત કરતા ધારાસભ્ય પંકજ દેસાઈના ફેસબુક પેજ પર બીજી પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં રસ્તાના કામમાં સાંસદ દેવુસિંહનો સિંહફાળો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

શું કહી રહ્યા છે પંકજ દેસાઈ?​​​​​​
આ અંગે નડિયાદના ધારાસભ્ય અને મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, અમારા જે ફેસબુક પેજ હેન્ડલ કરતા હોય તેઓને ધ્યાન બહાર રહેતા મે એડીટ કરાવી દીધુ છે. આ હાઈવે નેશનલ ઓથોરિટીમા આવે છે. જેથી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનો સિંહફાળો રહેલો છે.