ગુજરાતમાં લાંચ કેસમાં હવે માહિતી વિભાગ પણ બાકાત રહ્યું નથી. નડિયાદના માહિતી ખાતાની કચેરીમાં ફરજ બજાવતા જુનિયર કલાર્કને એસીબીએ છટકુ ગોઠવી રૂપિયા 1500ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે કલાકારો ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા યોજે છે. જે બદલ માહિતી વિભાગ એક કાર્યક્રમ દિઠ 4000 રૂપિયાની ચૂકવણી કરે છે. આ રકમ ચૂકવવા માટે જુનિયર કલાર્કે લાંચની માગણી કરતા એસીબીમાં ફરિયાદ થઈ હતી.
8000ની રકમ ચૂકવવા બદલ 2500ની લાંચ માગી હતી
મુળ તારાપુરના ગાયત્રી નગરમાં રહેતા અને હાલ મીશન રોડ પરની સરકારી વસાહત ખાતે રહેતા કિરણકુમાર હસમુખભાઇ શર્મા પોતે નડિયાદમા કપડવંજ રોડ પર આવેલ નાયબ માહિતી નિયામકની કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેઓ અહીયા ઇન્ચાર્જ સીનીયર ક્લાર્ક, હીસાબી શાખામાં વર્ગ-3ના કર્મચારી પણ છે. એક દંપતિ સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો આમ જનતા સુધી પહોંચાડવા માટે જન-જાગૃત્તિના કાર્યક્રમો કરે છે. આ દંપતિને ગામડાંઓમાં લોક ડાયરો કરવાના ઓર્ડર નાયબ માહિતી નિયામકની કચેરી, નડિયાદ દ્વારા મળેલ હતા. જેના એક કાર્યક્રમના પુરસ્કાર દીઠ રૂપિયા 4 હજાર જેટલું મહેનતાણુ ઓર્ડરમાં દર્શાવવામાં આવેલ હતુ. સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો પ્રચાર અને પ્રસાર કરવા માટે કુલ 2 કાર્યક્રમોના બીલના નાણા કુલ રૂપિયા 8 હજાર લેવાના નીકળતા હતા.જેથી તે આ કચેરીમાં ગયા હતા ત્યાં તેમને કિરણભાઈ શર્મા મળ્યા હતા હિસાબી શાખામાં કિરણભાઈ શર્મા ફરજ બજાવતા હોય તેમણે જણાવ્યું હતું કે રૂપિયા 8 હજારના બદલામા રૂપિયા 3 હજારની લાંચ આપવી પડશે તેમ જણાવ્યું હતું. રકઝક બાદ રૂપિયા 2500 લાંચ પેટે મેળવવાનું નક્કી કરી ફરીયાદી પાસેથી રૂપીયા 1 હજાર લાંચ પેટે અગાઉ લઇ લીધા હતા. અને બાકીના લાંચના નાણા રૂપીયા 1500 તેઓની કચેરી ખાતે આજ રોજ આપવા વાયદો કર્યો હતો.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય નડિયાદ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજ રોજ એસીબીએ લાંચનું છટકુ ગોઠવ્યું હતું. આ લાંચના છટકામાં કિરણભાઈ શર્મા રૂપિયા 1500ની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ પકડાઈ ગયા હતા. પોલીસે આ કર્મચારી સામે લાંચ રૂશ્વતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.