હાલાકી:નડિયાદમાં જાહેર રસ્તા ઉપર આડેધડ રિક્ષા તેમજ વાહનોના પાર્કિંગથી હાલાકી, એક પણ માર્ગ પર કોઈ ઝિબ્રા ક્રોસિંગ નથી

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વિકટ બનતી જાય છે. નડિયાદમાં બસ સ્ટેશન વિસ્તારમાં આડેધડ રિક્ષાઓ ઉભી રહેતી હોય ટ્રાફિક ચક્કાજામ સર્જાય છે. ટ્રાફિક પોઇન્ટ ની આજુબાજુ થતા આડેધડ વાહન પાર્કિંગના કારણે રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડે છે.ત્યારે પોલીસ તંત્ર દ્વારા રાહદારીઓને પડતી હાલાકી નિવારવા લાગણી વ્યાપી છે.

રોંગ સાઈડમાં રિક્ષાઓનો અડિંગો
નડિયાદ શહેરના હાર્દસમા બસ સ્ટેશનને જોડતા રસ્તાઓ પણ વાહનોની અવર જવરનું પ્રમાણ વધારે રહે છે. ત્યારે વાહનોના નિયમન માટે સરદાર સ્ટેચ્યુ, ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સ નજીક, આંબેડકર સ્ટેચ્યુ જેવા સર્કલો પર વાહનોની ભારે અવરજવર ધરાવતા રસ્તા ઉપર ટ્રાફિક પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે નડિયાદ જુના બસ સ્ટેશનમાં પ્રવેશવાના માર્ગ પર રોંગ સાઈડમાં રિક્ષાઓ ઉભી રહેલી જોવા મળે છે. આ ઉપરાંત ત્રીમૂર્તિ કોમ્પ્લેક્સ નજીક સ્ટેચ્યુ આગળ ટ્રાફિક પોઇન્ટ આવેલ છે. આ સ્થળે ટ્રાફિક નિયમન માટે પોલીસ ઉપરાંત ટીઆરબી જવાનો તૈનાત હોય છે.

રાહદારીઓને અકસ્માત થવાનો ભય
આમ છતાં પોલીસની નજર સામે રોડની સાઈડમાં આડેધડ રિક્ષાઓ પાર્ક થયેલી હોય છે. મુસાફરો મેળવવા માટે રોડ પર આડેધડ ઉભી રહેતી રિક્ષાઓના કારણે ટ્રાફિક ચક્કાજામ સર્જાતા હોય છે. રાહદારીઓને રોડ ક્રોસ કરવા વાહનોની અવર જવર ઓછી થાય તેની રાહ જોઈ ને ઉભુ રહેવું પડે છે. રાહદારીઓને રોડ ક્રોસ કરતા અકસ્માત થવાની દહેશત રહે છે. આ ટ્રાફિક પોઇન્ટ શોભાના ગાંઠીયા સમાન પુરવાર થયા છે.

રોડ પર સફેદ પટ્ટાનો અભાવ
આ સ્થળે વાહનોની સતત અવરજવર રહેતી હોય રાહદારીઓને રોડ ક્રોસ કરતા નાકે દમ આવી જાય છે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી થાય છે ત્યારે અબાલ વૃદ્ધો સરળતાથી રોડ ક્રોસ કરી શકે તે માટે રોડ પર જીબ્રા તેમજ સફેદ ઉભા આડા પટ્ટા દોરેલ હોય છે. પરંતુ ટ્રાફિક થી ધમધમતા સર્કલના રોડ પર સફેદ પટ્ટાનો અભાવ જોવા મળી રહ્યો છે. આરટીઓ તેમજ પોલીસ તંત્ર દ્વારા માર્ગ સલામતી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ રાહદારીઓ સરળતાથી રોડ ક્રોસ કરી શકે તે માટે પગલા લેવામાં તંત્ર નિષ્ફળ પુરવાર થયું છે. સટલિયા તેમજ વાહનચાલકો પાસેથી માત્ર હપ્તા ઉઘરાવવામાં વ્યસ્ત રહેતા ટ્રાફિક પોલીસ તંત્ર નડિયાદ શહેરમાં આડેધડ વાહનો રિક્ષાઓ પાર્ક કરનારાઓ સામે પગલા લેવામાં કેમ ઉણું ઉતરી રહ્યું છે તેવા પ્રશ્નો નગરજનોમાં ઉઠવા પામ્યા છે.

પાર્કિંગના જાહેરનામાનો પોલીસની નજર સામે જ ભંગ
સરકાર દ્વારા એસ.ટી.બસ સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં મુસાફરોની હેરાફેરી કરતા ખાનગી વાહનો ઉભા રાખવા પર પ્રતિબંધ મૂકતું કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે પગલાં લેવા અંગેનું દર્શાવતું બોર્ડ બસ સ્ટેશનની બહાર લગાવવામાં આવ્યા છે.પરંતુ બસ સ્ટેશનની બહાર જાહેરનામાના બોર્ડ નજીક રિક્ષા જેવા ખાનગી વાહનોનો રાફડો જોવા મળે છે.પોલીસની નજર સામે જ સરકારના જાહેરનામાનો ભંગ થતો જોવા મળે છે.આમ છતાં તંત્ર આવા વાહનચાલકો સામે પગલાં લેવાને બદલે ઈતર કામગીરીમાં રચ્યુપચ્યું રહેતું હોવાનું જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...