અમદાવાદમાં રેસિડેન્સિયલ એરિયામાં હાઇરાઈઝ બિલ્ડીંગની અંદર ફાયર સેફ્ટીના અભાવે લાગેલી આગે એક તરુણીનો જીવ લીધો છે. આ દુર્ઘટના બાદ નડિયાદની ફાયર વિભાગ ટીમ એકાએક સફાળી જાગી છે અને ઢળતી સંઘ્યાએ નડિયાદના સ્ટેશન રોડ પર આવેલ કોમર્શિયલ કોમ્પલેક્ષમા પહોંચી કામગીરી હાથ ધરી છે. અત્યાર સુધી લગભગ છ જેટલી દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે.
અમદાવાદની દુર્ઘટના બાદ એક્શનમાં તંત્ર
ઘોર નિદ્રામાં ઊંઘી રહેલી નડિયાદ ફાયર વિભાગ એકાએક અમદાવાદની દુર્ઘટના બાદ એક્શનમા આવી છે. શનિવારે સમી સાંજે નડિયાદ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ પ્લેટિનિયમ પ્લાઝા કોમ્પલેક્ષ ખાતે પહોંચી ફાયર સેફ્ટી વગર ધમધમતી લગભગ છથી વધુ દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરી છે. ફાયર વિભાગના જણાવ્યા મુજબ અગાઉ દુકાનદારોને આ મામલે નોટિસો પાઠવવામાં આવી હતી, પરંતુ આ નોટિસની અવગણના કરતા અમે કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ સુરત તેમજ આણંદ અને આજે અમદાવાદમાં બનેલી ગોઝારી આગની દુર્ઘટના બાદ નડિયાદ ફાયર વિભાગની આંખ ઉઘાડી દીધી છે અને કાર્યવાહી કરવા મજબૂર કર્યા હોવાનો ગણગણાટ શરૂ થયો છે.
શહેરની અન્ય કોમર્શિયલ બિલ્ડીંગ તેમજ રેસિડેન્સિયલ હાઇરાઇઝ બિલ્ડિંગમાં કાર્યવાહી કરાશે
ફાયર વિભાગના સંદીપે જણાવ્યું છે કે, વખતો વખત નડિયાદ શહેરમાં આ કામગીરી ચાલી રહી છે. અગાઉ પણ અમે અહીંયા નોટિસ આપી છે અને આ બાદ આજે આ કામગીરી હાથ ધરાય છે. આ કોમ્પ્લેક્સમાં 150થી વધુ દુકાનો છે તેમાંથી છથી જેટલી વધુ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે અને હાલ આ કામગીરી ચાલે છે. જેથી આ આંકડો વધે તેવી શક્યતા છે. આ ઉપરાંત શહેરની અન્ય કોમર્શિયલ બિલ્ડીંગ તેમજ રેસિડેન્સિયલ હાઇરાઈઝ બિલ્ડીંગમાં આ કામગીરી કરવામાં આવશે અને ફાયર સેફ્ટી ન હોય તેવી તમામ જગ્યાઓને સીલ કરવામાં આવશે અને કાયદાકીય પગલા લેવાશે.
કોમ્પ્લેક્ષની 60% જેટલી દુકાનો ચાલુ
તો બીજી તરફ દુકાનદારો જણાવે છે કે, અમને અગાઉ નોટિસ મળી છે પણ હાલ ફાયર વિભાગ દ્વારા અમારા ધંધા રોજગાર બંધ કરી સીલ મારી દેતા અમે ક્યાં જઈએ. અમને થોડો સમય આપો તેવી માંગ દુકાનદારો કરી રહ્યાં છે. આ કોમ્પલેક્ષમા લગભગ 60% જેટલી દુકાનો ચાલે છે, 40% દુકાનો બંધ છે. જેના કારણે મેન્ટેનન્સ ખર્ચ બંધ દુકાનદારો ન આપવાને કારણે આ સમસ્યા સર્જાય છે. જોકે અમદાવાદની દુર્ઘટના બાદ ભર ઊંઘમાંથી જાગેલી નડિયાદ ફાયર વિભાગની ટીમ કોઈ કલંકરૂપ ઘટના ન ઘટે તે રીતે ચિંતિત બનતા નગરજનો માટે વાત ટોક ઓફ ધી ટાઉન બની છે. જોકે હવે આ કાર્યવાહી ક્યાં સુધી ચાલશે તે પ્રશ્ન નગરજનોને સતાવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.