જામીન અરજી રદ્દ:પોતે પરિણીત હોવા છતાં હકીકત છુપાવી યુવતીને પ્રેમજાળમાં ફસાનાર શખ્સની જામીન અરજી નડિયાદ કોર્ટે ફગાવી

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ યુવતી સાથે ફુલહાર કરી દુષ્કર્મ આચર્યું હતું

નડિયાદના એક શખ્સે પોતે પરિણીત હોવા છતાં આ હકીકત છુપાવી અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી તેની સાથે લગ્ન કરી તેની મરજી વિરુદ્ધ બદકામ કરી નાણાં પડાવી લીધા હોવાના આક્ષેપ વાળી ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરતાં તે હાલમાં જેલમાં છે તેણે જામીન પર છુટવા માટે નડિયાદ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જે જામીન અરજી સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે.

નડિયાદમાં રહેતા મનીષ રમેશભાઇ વાઘેલા નામના શખ્સે પોતે પરિણીત હોવા છતાં હકીકત છુપાવી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે ફૂલહાર કરી લગ્ન કરી લીધા હતા અને યુવતીના મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક અત્યાચાર કર્યો હોવાની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસમાં નોંધાઇ હતી. પોલીસે આ મનીષની ધરપકડ કરી જેલમાં મોકલી દીધો છે. મનીષે જેલમાંથી છૂટવા માટે નડિયાદ કોર્ટમાં જામીન અરજી મુકી હતી.

નડિયાદ સેશન્સ કોર્ટના સરકાર વકીલ યુ.એ. ઢગટે આરોપીની અરજીનો સખ્ત વિરોધ કરતાં ભારપૂર્વક જણાવેલું કે, આ કામના આરોપીએ પોતે પરિણીત હોવા છતાં તે હકીકત છુપાવી ફરીયાદીને પ્રેમજાળમાં ફસાવી ફરીયાદી સાથે કુલહાર વિધિથી લગ્ન કરી ફરીયાદી સાથે અવારનવાર તેની મરજી વિરૂદ્ધ બદકામ કરી ગર્ભવતી બનાવી હતી. આ ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી તરછોડી દીધી છે. તેમજ ફરીયાદીની સોનાની બુટી તથા અંદાજી રૂપિયા પાંચ લાખ જેટલી મોટી રકમ થોડી થોડી કરીને લઈ ગયેલા હોવાની ફરીયાદ છે.

આવા સંજોગોમાં હાલમાં આરોપીને જો જામીન મુક્ત કરવામાં આવશે તો સાક્ષી પુરાવા સાથે ચેડા થાય તેમ હોય તેમજ ગુનાની ગંભીરતા તથા આરોપી સામેના આક્ષેપો નજર સમક્ષ રાખી અરજી નામંજૂર કરવા માટે રજૂઆતો કરેલી હતી. આથી ન્યાયાધીશે આરોપી મનીષ રમેશભાઈ વાઘેલાની જામીન અરજી ફગાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...