ખેડા જિલ્લાના ઠાસરા પંથકના જશુના મુવાડા ગામે એક જ જ્ઞાતિના બે લોકો આમનેસામને આવી ગયા હતા. કોઈ બાબતને લઈને મામલો બિચકતા બન્ને જુથો સામસામે લાકડી ધારીયા લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા. આ બનાવમાં 13 લોકો ઘાયલ થયાં છે. જ્યારે ઠાસરા પોલીસમા સામસામી ફરિયાદમા કુલ 21 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે.
ધારીયા લાકડી વડે હુમલો કર્યો અને છુટા પથ્થરો પણ માર્યા
પ્રથમ ફરિયાદ મુજબ જોઈએ તો, ઠાસરા તાલુકાના જશુના મુવાડા ખાતે રહેતા પર્વતભાઈ અભેસિંહ રાઠોડે ફરિયાદ નોધાવી છે. જેમાં જણાવ્યાં મુજબ ગામના બુધાભાઈ રામાભાઇ રાઠોડ ગત વિધાનસભાની ચૂંટણીમાં ઠાસરા પંથકના યોગેન્દ્રસિંહ પરમારની જીત થશે તો બુધાભાઇ પોચાના ઘરે રામદેવનું ભજન કરવાની બાધા રાખી હતી. ગત પહેલી જાન્યુઆરીના રોજ રાત્રે આ ભજન રાખ્યું હતું. આ દરમિયાન પર્વતભાઈ અને તેમના ઘરના માણસો અને સમાજના માણસો ભેગા થઈ આ બુધાભાઈ રાઠોડના ઘરે ભજનમાં જતા હતા. ત્યારે રમેશભાઈ ગલબાભાઈ રાઠોડના ઘર નજીકથી પસાર થતા. તે સમયે આ રમેશભાઈ રાઠોડ એ તેમની સાથે ઝઘડો કર્યો હતો અને અહીંયાથી કેમ નીકળ્યા છો, અમારા ઘર આગળથી જવાનું નહીં તેમ કહી ગમે તેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા અને મામલો બિચકતા 10 લોકોના ટોળાએ આ પર્વતભાઈ અને તેમના ઘરના માણસો પર ધારીયા લાકડી વડે હુમલો કરી દીધો હતો. તો છુટા પથ્થરો પણ મારી ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.
દસ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી
આ સમગ્ર મામલે પર્વતભાઈ અભેસિંહ રાઠોડે ઠાસરા પોલીસમાં હુમલો કરનાર દસ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં રમેશભાઈ ગલબાભાઈ રાઠોડ, અરવિંદભાઈ ગલબાભાઈ રાઠોડ, રણજીતભાઈ રતાભાઇ રાઠોડ, અલ્પેશભાઈ મહેશભાઈ ચાવડા, પ્રદીપભાઈ દિલીપભાઈ રાઠોડ, ભરતભાઈ રમેશભાઈ રાઠોડ, શાભભાઈ લલ્લુભાઈ રાઠોડ, કૌશિકભાઈ કનુભાઈ રાઠોડ, ગોવિંદભાઈ ફતાભાઈ રાઠોડ અને મનહરભાઈ સાલમભાઈ રાઠોડ (તમામ રહે.જશુના મુવાડા)નો સમાવેશ થાય છે.
સામાપક્ષની ફરિયાદ
આ ઉપરાંત સામાપક્ષે અરવિંદભાઈ ગલબાભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદમાં જણાવ્યા મુજબ સામેવાળા વ્યક્તિઓ તેમના ઘરના બારણા નજીક આવી કિલકારો કરી બૂમો પાડતા હતા જેથી તેમણે જણાવ્યું હતું કે, જ્યાં ડીજે વાગે છે ત્યાં જ એક કાર્યો પાડ્યો તેમ કહી ઠપકો આપતા સામેવાળા વ્યક્તિઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને ગેરકાયદેસર મંડળી રચી ધારીયા અને લાકડી લઈ આવી હુમલો કરી દીધો હતો. આ બનાવમાં નવ વ્યક્તિઓ ઘાયલ થયા છે.
પોલીસે બન્ને પક્ષે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
આ સમગ્ર મામલે અરવિંદભાઈ રાઠોડે ઠાસરા પોલીસમાં હુમલો કરનાર સાજનભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ, બાબુભાઈ રયજીભાઈ રાઠોડ, રામાભાઇ નાગરભાઈ રાઠોડ, જયેશભાઈ પ્રવીણભાઈ રાઠોડ, પર્વતભાઈ અભાભાઇ રાઠોડ, કાર્તિકભાઈ પર્વતભાઈ રાઠોડ, મહેશભાઈ રામાભાઇ રાઠોડ, સુખીબેન રામાભાઇ રાઠોડ, રોહિતભાઈ મનહરભાઈ રાઠોડ, અતુલભાઇ મનુભાઈ રાઠોડ અને વિક્રમભાઈ રણછોડભાઈ રાઠોડ (તમામ રહે.જશુના મુવાડા) સામે ફરિયાદ નોંધાવી છે. ઠાસરા પોલીસે સામ સામે ફરિયાદ નોંધાવી આઇપીસી 143, 147, 148, 323, 324, 337, 504, 506(2) મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.