પરિવાર સાથે ઉતરાયણ પર્વ ઉજવવા આવતા દીકરાના મોતના સમાચાર સાંભળી પિતા લાચાર બન્યા છે. કપડવંજના સોનીપુરા નજીક મોટરસાયકલ સ્લીપ ખાઈ જતા ચાલકનું મોત નિપજ્યું છે. ચાલક તારાપુર નોકરી કરતો હોય માતા-પિતા પરિવાર સાથે ઉત્તરાયણ પર્વ ઉજવવા આવતાં અકસ્માત નડયો છે. આ પહેલા છેલ્લી વાત પિતાએ મોબાઈલ ફોનમાં જ પોતાના દિકરાનો અવાજ સાંભળ્યો છે. સમગ્ર મામલે કપડવંજ ટાઉન પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.
મોટરસાયકલ સ્લીપ ખાઈ જતાં ચાલકનું મોત
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભાથલા ગામે રહેતા નરેન્દ્રસિંહ સોમસિહ સોલંકીને વસ્તારમાં છ સંતાનો છે જેમાં ચાર દીકરીઓ તો બે દીકરાઓ છે. તેમનો મોટો 26 વર્ષનો દીકરો જન્મેજયસિહ આણંદ જિલ્લાના તારાપુર ખાતે ખાનગી ફાઈનાન્સમાં નોકરી કરતો અને ત્યાંજ રહેતો હતો. ઉતરાયણ પર્વ હોવાથી આ જન્મેજયસિહ સોલંકી પોતાનું મોટર સાયકલ નંબર (GJ 35 J 9028) ચલાવીને તહેવાર ઉજવવા ગત 13મી જાન્યુઆરીના રોજ તારાપુર ખાતેથી નીકળ્યો હતો.
દિકરાનો છેલ્લો અવાજ ટેલીફોન મારફતે સાંભળવા મળ્યો
અહીયાથી નીકળતાં પહેલા જન્મેજયસિહે પોતાના પિતાને ટેલીફોન કરી જણાવ્યું કે, ઉતરાયણ હોવાથી મારે રજા છે. આથી હું ઘરે આવવા માટે નીકળું છું, હું રાતના સમયે ફોઈના ઘરે રોકાઈશ અને સવારે ઘરે આવી જઈશ તેવી વાત કરી હતી. એટલામા મોડી રાત્રે ફોઈના ઘરે પહોંચે તે પહેલા જ કપડવંજના સોનીપુરા નજીક મોટરસાયકલ સ્લીપ ખાઈ જતા જન્મેજયસિહ સોલંકીને શરીરે ગંભીર ઈજા પહોંચતી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમને સારવાર મળી રહે તે પહેલા જ જન્મેજયસિહ સોલંકી મોતને ભેટ્યા હતા. સમગ્ર મામલે મરણજનાર યુવાનના પિતા નરેન્દ્રસિંહ સોલંકીએ કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં નરેન્દ્રસિંહ સોલંકીને પોતાના દિકરાનો છેલ્લો અવાજ ટેલીફોન મારફતે સાંભળવા મળ્યો હતો. જેથી તેઓ બેબાકળા બન્યા છે ઘરમાં આ એક જ કમાવનાર દિકરો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.